પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાને કારણે ટાઇપ-2 ડાયાબિટીઝનું જોખમ વધી રહ્યું છે. દિલ્હી અને ચેન્નાઈમાં 12 હજાર લોકો પર કરાયેલા સંશોધનમાં જાણવા મળેલી માહિતી પ્રમાણે પ્રદૂષિત હવામાં શ્વાસ લેવાથી શુગરનું સ્તર વધે છે. તેનાથી ડાયાબિટીસના કેસ વધી રહ્યા છે. પ્રદૂષિત હવા અને મધુપ્રમેહના સંપર્ક વચ્ચે સીધો સંબંધ સ્થાપિત કરનારું આ પ્રથમ સંશોધન છે.
આ માટે સંશોધકોએ 2010થી 2017 સુધી દિલ્હી-ચેન્નાઈમાં 12,000 લોકોનું સુગર લેવલ માપ્યું હતું. સાથે જ ઉપગ્રહ ડેટા અને વાયુ પ્રદૂષણના એક્યુઆઇ તથા પુરુષો અને મહિલાઓના એક જૂથનું બ્લડ શુગર સમયાંતરે માપવામાં આવ્યું. ઉપગ્રહ ડેટા અને એક્યુઆઇ મોડલમાંથી પ્રાપ્ત વાયુ પ્રદૂષણના ડેટાનું વિશ્લેષણ કરીની આ તારણ કાઢવામાં આવ્યું હતું. બંને શહેરોમાં પીએમ 2.5માં વાર્ષિક સરેરાશ 10 માઇક્રોનના વધારાથી મધુપ્રમેહનું જોખમ 22% વધ્યું હોવાનું તેઓએ નોંધ્યું. સંશોધકો પૈકીના મદ્રાસ ડાયાબિટીસ રિસર્ચ ફાઉન્ડેશનના અધ્યક્ષ ડૉ. વી. મોહન કહે છે કે આ અભ્યાસ આંખ ઉઘાડનારો છે. કારણ કે હવે અમને ડાયાબિટીસ થવાનું વધુ એક કારણ જાણવા મળ્યું છે.