દેશના મોટા ભાગના વિસ્તારોમાં સતત અંગ દઝાડતી લૂ વરસી રહી છે. જળવાયુ પરિવર્તનને કારણે સતત અને જોખમી રીતે લૂ વરસી રહી છે અને દેશના સમગ્ર દિલ્હી સહિતના 90 ટકા વિસ્તારો લૂપ્રભાવિત અને ડેન્જર ઝોનમાં છે.
કૅમ્બ્રિજ યુનિવર્સિટીએ તાજેતરમાં જ એક અભ્યાસ કર્યો હતો. આ અભ્યાસ પ્રમાણે જળવાયુ પરિવર્તન સંદર્ભે લેવાયેલાં પગલાં અપૂરતાં હોવાને કારણે લૂથી પ્રભાવિત થવાને કારણે દિલ્હી વધુ સંવેદનશીલ છે. સંશોધન પ્રમાણે લૂને કારણે સંયુક્ત રાષ્ટ્રના અંદાજિત વિકાસ લક્ષ્યો પ્રાપ્ત કરવાની દિશામાં ભારતની પ્રગતિ રૂંધાઈ રહી છે. એટલું જ નહીં, વર્તમાન મૂલ્યાંકન મેટ્રિક્સ લૂની અસરોનું યોગ્ય રીતે મૂલ્યાંકન કરી શકતું નથી.
સંશોધનકારોએ ક્લાઇમેટ વલ્નેરેબિલિટી ઇન્ડેક્સ (સીવીઆઇ)ના આંકડાને હીટ ઇન્ડેક્સ સાથે મેળવ્યા તો ચોંકાવનારી વાત બહાર આવી. આ પ્રક્રિયામાં જાણવા મળ્યું કે સીવીઆઇમાં દેશના 90 ટકા વિસ્તારોને ઓછા કે મધ્યમ સંવેદનશીલ દર્શાવાયા હતા જ્યારે હીટ ઇન્ડેક્સ પ્રમાણે એ વિસ્તારો જોખમી છે.સંશોધનકારોએ જણાવ્યું કે સીવીઆઇના ઉપયોગથી જળવાયુ પરિવર્તનના વાસ્તવિક જોખમનો અંદાજ લગાવી શકાતો નથી. હવામાન વિભાગે હીટ ઇન્ડેક્સ જાહેર કરવા જોઈએ. તેનાથી શરીર કેટલી ગરમી સહન કરી શકશે, એ જાણી શકાય છે. સાથે જ તેમાં તાપમાન સાથે ભેજનું પ્રમાણ પણ સમાવિષ્ટ હોય છે.