બાંગ્લાદેશના દિગ્ગજ ઓલરાઉન્ડર શાકિબ અલ હસન વિરુદ્ધ હત્યાનો કેસ નોંધવામાં આવ્યો છે. આ કેસમાં બાંગ્લાદેશના પૂર્વ વડાપ્રધાન શેખ હસીના, અભિનેતા ફિરદૌસ અહેમદ અને ઓબેદુલ કાદર અને અન્ય 154 લોકો પણ આરોપી છે. આ સિવાય 400થી વધુ અજાણ્યા લોકો સામે પણ કેસ નોંધવામાં આવ્યો છે.
હાલ શાકિબ અલ હસન પાકિસ્તાનના પ્રવાસે છે. તે બાંગ્લાદેશની ટેસ્ટ ટીમનો એક ભાગ છે અને હાલમાં રાવલપિંડીમાં શ્રેણીની પ્રથમ ટેસ્ટ મેચ રમી રહ્યો છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, આ તમામ પર કપડાની દુકાનમાં કામ કરતી રૂબેલ નામની વ્યક્તિની હત્યાનો આરોપ છે. 5 ઓગસ્ટના રોજ, રૂબેલે એડબોરમાં રિંગ રોડ પર વિરોધ માર્ચમાં ભાગ લીધો હતો. રેલી દરમિયાન કોઈએ આયોજનબદ્ધ કાવતરાના ભાગરૂપે ભીડ પર ગોળીબાર કર્યો હતો. આ ફાયરિંગમાં રૂબેલને છાતી અને પીઠમાં ગોળી વાગી હતી. જેના કારણે 7મી ઓગસ્ટના રોજ હોસ્પિટલમાં સારવાર દરમિયાન તેનું મૃત્યુ થયું હતું.