રાજ્ય પરીક્ષા બોર્ડ દ્વારા જ્ઞાનસેતુ ડે સ્કૂલ, જ્ઞાનશક્તિ રેસીડેન્સિયલ સ્કૂલ, ટ્રાયલબ રેસીડેન્સિયલ સ્કૂલ, રક્ષાશક્તિ સ્કૂલ અને મોડેલ સ્કૂલના ધો.6માં પ્રવેશ માટે આજે કોમન પ્રવેશ પરીક્ષા લેવાશે. રાજકોટ જિલ્લામાં 26318 વિદ્યાર્થીઓ આ શાળામાં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ અપાશે. બપોરે 12 વાગ્યાથી પરીક્ષા શરૂ થશે અને ધોરણ 5ના અભ્યાસક્રમના આધારે એમસીક્યુ પદ્ધતિથી પરીક્ષા લેવામાં આવશે.
રાજકોટમાં 132 કેન્દ્ર પર પરીક્ષા લેવા માટેની વ્યવસ્થા જિલ્લા શિક્ષણતંત્ર દ્વારા કરવામાં આવી છે. આ તમામ શાળાઓ ધોરણ 6થી 12ની રહેશે અને તેમાં સંપૂર્ણ શિક્ષણ તમામ વિદ્યાર્થીઓ માટે નિઃશુલ્ક રહેશે. આ શાળામાં સરકારી અને અનુદાનિત શાળાઓમાં ધોરણ 1થી 5નો અભ્યાસ કરેલ હોય તથા ધોરણ 5નો અભ્યાસ પૂર્ણ કરનાર વિદ્યાર્થીઓ ધોરણ 6 માટે પ્રવેશ પરીક્ષા આપી શકશે. આ પ્રવેશ પરીક્ષાના મેરિટના આધારે ધોરણ 6માં પ્રવેશ આપવામાં આવશે.
આ શાળાઓમાં ગુજરાત રાજ્યના સરકારી શાળાઓમાં ભણતા પ્રતિભાશાળી વિદ્યાર્થીઓની ઓળખ કરી તેમને શ્રેષ્ઠ ભૌતિક અને ડિજિટલ ઈન્ફ્રાસ્ટ્રક્ચર સુવિધાઓથી સજજ ભવિષ્યલક્ષી ઉચ્ચ ગુણવત્તાયુક્ત શિક્ષણ આપવામાં આવશે. જોકે સરકારના આ જ્ઞાનસેતુ સ્કૂલ સામે રાજ્યમાં શાળા સંચાલક મંડળો, શિક્ષણવિદો સહિતનાઓએ વિરોધ કર્યો હતો. તેમણે જણાવ્યું હતું કે, આ શાળાઓ અમલમાં આવ્યા બાદ સરકારી શાળા ખતમ થશે. કેટલાકે કહ્યું હતું કે, જ્ઞાનસેતુ શાળા બનાવવાને બદલે સરકારી શાળા પાછળ ખર્ચો કરવામાં આવે. પરંતુ વિરોધ વચ્ચે આજે રાજ્યભરમાં જ્ઞાનસેતુ ડે સ્કૂલમાં ધોરણ 6માં પ્રવેશ માટેની એન્ટ્રન્સ ટેસ્ટ લેવાશે.