એંસીફૂટ રોડ પરના ખોડિયારનગરમાં રહેતા યુવક પર તેની બાજુની ઓરડીમાં રહેતા શખ્સે હુમલો કરી ગળા પર છરીનો ઘા ઝીંકી દીધો હતો. ઘવાયેલા યુવકને હોસ્પિટલમાં ખસેડાયો હતો. જોકે તેણે ફરિયાદ નોંધાવવાનું ટાળ્યું હતું.
ખોડિયારનગરમાં રહેતા અનિલ ગુપ્તા નામના 30 વર્ષના યુવકને શનિવારે મધરાત્રે સિવિલ હોસ્પિટલમાં લોહિયાળ હાલતમાં ખસેડવામાં આવ્યો હતો. પોતે રાત્રે દોઢેક વાગ્યે પોતાની ઓરડીમાં હતો ત્યારે કોઇ અજાણ્યો શખ્સ ધસી આવ્યો હતો અને ગળામાં છરીનો ઘા ઝીંકી નાસી ગયાનું અનિલે હોસ્પિટલ ચોકીના સ્ટાફ સમક્ષ કહ્યું હતું. ઘટનાની જાણ થતાં થોરાળા પોલીસ સ્ટેશનની ટીમ દોડી ગઇ હતી અને ઊંડાણપૂર્વક પૂછપરછ કરતા જુદી જ સ્ટોરી બહાર આવી હતી.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, મહારાષ્ટ્રનો વતની અનિલ ગુપ્તા રાજકોટમાં રહી કારખાનામાં કામ કરે છે અને પોતે જ્યાં રહે છે તેની બાજુની ઓરડીમાં અન્ય એક પરપ્રાંતીય શખ્સ રહે છે, તે શખ્સને થોડા દિવસ પૂર્વે તેની પ્રેમિકા ઓરડીએ મળવા આવી હતી ત્યારે અનિલ જોઇ ગયો હતો. જે બાબતે બે દિવસ પહેલા અનિલ સાથે તે શખ્સે માથાકૂટ કરી હતી અને તેનો ખાર રાખી શનિવારે રાત્રે હુમલો કર્યો હતો. જોકે અનિલે ફરિયાદ નોંધાવવાનો ઇનકાર કરતાં પોલીસે ઇજાગ્રસ્ત અનિલનું નિવેદન નોંધી રાબેતા મુજબ કાર્યવાહી કરી હતી.