12 મે, શુક્રવા વૈશાખ માસની અષ્ટમી છે. આ તિથિએ વ્રત રાખીને ભગવાન શિવના રુદ્ર સ્વરૂપની પૂજા કરવી જોઈએ. જેને રુદ્ર વ્રત પણ કહેવામાં આવે છે. શિવપુરાણ અનુસાર આ દિવસે ઉપવાસ અને પૂજા કરવાથી દરેક પ્રકારની સમસ્યાઓ અને દોષ દૂર થાય છે. તમે તમારા શત્રુઓ ઉપર પણ વિજય મેળવશો.
રુદ્ર વ્રત પર ભગવાન શિવની પૂજા કરવાની સાથે ખરીદી અને નવી શરૂઆત માટે શુભ સમય રહેશે. આ દિવસે તિથિ, વાર, નક્ષત્ર મળવાથી સર્વાર્થસિદ્ધિ અને રવિયોગની રચના થઈ રહી છે. આ શુભ યોગોના કારણે કરેલા કાર્યોમાં સફળતા મળવાની શક્યતાઓ વધી જાય છે.
રુદ્ર વ્રત અને પૂજા પદ્ધતિ
રુદ્ર વ્રતમાં સૂર્યોદય પહેલાં જાગીને તીર્થ સ્નાન કરવું જોઈએ. જો તમે આમ ન કરી શકો તો તમારે ઘરમાં જ ગંગાજળના થોડા ટીપાં અને કાળા તલ નાખીને સ્નાન કરવું જોઈએ. જેને તીર્થ સ્નાન ગણવામાં આવે છે.
સ્નાન કર્યા પછી રુદ્રાક્ષની માળા પહેરો. ભસ્મને માથા અને હાથ પર લગાવો. ચંદનનું તિલક લગાવો. પછી આખો દિવસ વ્રત રાખવાની અને રુદ્ર પૂજા કરવાની પ્રતિજ્ઞા લો. આ પછી મંદિરમાં જઈને શિવલિંગ પર દૂધ અને જળ ચઢાવો. આ દિવસે સવાર-સાંજ શિવલિંગ પાસે તલના તેલનો દીવો કરવો.
આ તિથિએ રૂદ્રાભિષેક કરવાનો પણ નિયમ છે. જેનાથી ઈચ્છાઓ પૂર્ણ થાય છે અને આયુષ્ય વધે છે. રૂદ્રાભિષેક દૂધ, પંચામૃત, પાણી, મધ, ખાંડ અને ફળોના રસથી કરવો જોઈએ. મોસમી ફળોના રસ સાથે રૂદ્રાભિષેક કરવાથી રોગો દૂર થવા લાગે છે.