હાર્ટએટેકથી મૃત્યુના કિસ્સા સતત વધી રહ્યા છે ત્યારે રવિવારે સવારે વિજય પ્લોટમાં બનેલી ઘટના સૌ કોઇની કલ્પનાની બહાર હતી. 11 વર્ષના બાળકનું હાર્ટફેઇલ થઇ ગયું હતું. વહાલસોયા પુત્રએ ઓચિંતા હંમેશા માટે વિદાય લેતા પરિવારજનોએ કરેલા આક્રંદથી ગમગીની છવાઇ ગઇ હતી.
શહેરના ગોંડલ રોડ પરના વિજય પ્લોટમાં રહેતો દેવરાજ કનકભાઇ કારેલિયા (ઉ.વ.11) રવિવારે સવારે સાડા આઠેક વાગ્યે પોતાના ઘરની બહાર અન્ય બાળકો સાથે બેઠો હતો ત્યારે અચાનક જ ફૂલ જેવો દેવરાજ ઢળી પડ્યો હતો. માસૂમ દેવરાજને વિદ્યાનગર મેઇન રોડ પર આવેલી ખાનગી હોસ્પિટલમાં લઇ જવાયો હતો, પરંતુ તેનું મૃત્યુ થયું હતું. કનકભાઇ કારેલિયાએ કહ્યું હતું કે, તેમને સંતાનમાં બે પુત્ર છે જેમાં દેવરાજ મોટો હતો અને તે જસાણી ઇંગ્લિશ મીડિયમ સ્કૂલમાં ધોરણ 6માં અભ્યાસ કરતો હતો. પુત્ર બેભાન થયાની જાણ થતાં જ પોતે દોડી ગયા હતા અને છાતીમાં પમ્પિંગ કરી બચાવવાનો પ્રયાસ કર્યો હતો, સાથે સાથે વાહનમાં સુવડાવી પુત્રને ખાનગી હોસ્પિટલમાં લઇ ગયા હતા. ત્યાં પણ તબીબોએ પમ્પિંગ કર્યું હતું અને વેન્ટિલેટર પર રાખી એકાદ કલાક સુધી પ્રયાસ કર્યા હતા, પરંતુ દેવરાજને બચાવી શક્યા નહોતા. દેવરાજનું હાર્ટએટેકથી મૃત્યુ થયાનું કનકભાઇએ કહ્યું હતું.