અર્થશાસ્ત્રીઓ અને વિશ્લેષકોએ વચગાળાના બજેટ દરમિયાન રાજકોષીય અંદાજોને આવકારતા કહ્યું હતું કે નીચી રાજકોષીય ખાધની આગાહી દર્શાવે છે કે સરકાર ચૂંટણીના વર્ષ દરમિયાન પણ રાજકોષીય ખાધને ઘટાડવા માટે ગંભીર છે અને લક્ષ્ય હાંસલ થશે તેવો આશાવાદ પણ છે.
ઇન્ડિયા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી દેવેન્દ્ર કુમાર પંતે જણાવ્યું હતું કે આ વખતના વચગાળાના બજેટમાં ખાસ કરીને કૃષિ ક્ષેત્ર તેમજ ફિસ્કલ કોન્સોલિડેશન પર વિશેષ રીતે ધ્યાન કેન્દ્રિત કરવામાં આવ્યું છે. તદુપરાંત નાણાકીય વર્ષ 2024 અને 2025ના અંદાજિત આંકડાઓ દર્શાવે છે કે સરકાર નાણાકીય વર્ષ 2026 સુધી 4.5%ના રાજકોષીય ખાધના લક્ષ્યાંકને હાંસલ કરવા માટે પ્રતિબદ્ધ છે.
ઇકરા રેટિંગ્સના મુખ્ય અર્થશાસ્ત્રી અદિતી નાયરે જણાવ્યું હતું કે નાણાકીય વર્ષ 2024 માટે રૂ.9.3 લાખ કરોડની સામે રૂ.10 લાખ કરોડનો મૂડીખર્ચ તેમજ નાણાકીય વર્ષ 2025 માટે રૂ.10.2 લાખ કરોડની સામે રૂ.11.1 લાખ કરોડનો મૂડીખર્ચ તેમજ નાણાકીય વર્ષ 2024 માટે અગાઉના 6%ની તુલનાએ 5.8%ની રાજકોષીય ખાધનો અંદાજ ખર્ચની ગુણવત્તા પહેલા કરતાં સારી રહેશે તેવું સૂચવે છે.
KPMG ઇન્ડિયા ખાતેના ચીફ એક્ઝિક્યુટિવ યેઝદી નાગપોરવાલાએ જણાવ્યું હતું કે રાજકીય મજબૂરીઓથી પ્રભાવિત ન થવાની અને રાજકોષીય ખાધને અંકુશમાં રાખવાની ખાતરી આપવામાં આવી છે. તદુપરાંત આ બજેટ ગરીબો, મહિલાઓ, યુવાવર્ગ અને ખેડૂતો એ તમામને સાથે લઇને સર્વસમાવેશક વિકાસની પ્રતિબદ્ધતામાં પણ સૂર પૂરાવે છે.