રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં બુધવારે મહત્તમ તાપમાન ઊંચકાયું હતું. હવામાન ખાતાના જણાવ્યા મુજબ રણમાંથી પવનો ફૂંકાતા ગરમીનો આકરો મિજાજ શરૂ થયો છે. હીટવેવ કન્ડિશન શનિવાર સુધી યથાવત્ રહેશે. ત્યારબાદ ગરમીનો પારો નીચો જશે. રાજકોટમા બુધવારે 43.9 ડિગ્રી તાપમાન નોંધાયું હતું. જે ચાલુ વર્ષનું સૌથી ઊંચું તાપમાન હતું. શનિવાર સુધી હીટવેવ કન્ડિશન નોંધાશે. જેને કારણે રાજકોટ, અમરેલી, સુરેન્દ્રનગરમાં તાપમાન આટલું જ જળવાઈ રહે તેવી સંભાવના વ્યક્ત કરવામાં આવી છે. બુધવારે તાપમાન ઊંચું રહેતા બપોરે 12.30 થતાની સાથે જ તેની અસર વર્તાઈ હતી.
લોકોએ બિનજરૂરી રીતે ઘરની બહાર નીકળવાનું ટાળ્યું હતું. પરિણામે રોડ-રસ્તા પણ સૂમસામ જોવા મળ્યા હતા. દ્વારકા, ઓખા, વેરાવળ, મહુવાને બાદ કરતા તમામ શહેરોમાં તાપમાન 41થી લઈને 44 ડિગ્રી સુધી નોંધાયું હતું. અચાનક જ ગરમી પડતા ઠંડાપીણા, લીંબુની ડિમાન્ડમાં પણ વધારો થયો હતો. હાલ ગરમીની ઋતુ ચાલતી હોય ડેરીમાં આવતા દૂધની આવકમાં પણ ઘટાડો થયો છે.
મંગળવારની સરખામણીએ બુધવારે એક ડિગ્રી તાપમાન વધુ નોંધાયું હતું. શનિવાર સુધી આકરા તાપની આગાહી હોય લોકોને ખાસ કરીને દર્દી, વૃદ્ધ, બાળકોને બિનજરૂરી રીતે ઘરની બહાર નહિ નીકળવા તાકીદ કરવામાં આવી છે. રાજકોટમાં ત્રિકોણબાગ, બસ સ્ટેન્ડ, ઔદ્યોગિક વિસ્તાર સહિત રાજકોટમાં કેટલાક સ્થળોએ સૌથી વધુ તાપમાન નોંધાયું હતું.