દેશની બેન્કોના બચત ખાતામાં હવે જમા રકમ ઉતરોઉતર વધવાનો ટ્રેન્ડ જોવા મળી રહ્યો છે. આ વર્ષે સપ્ટેમ્બર દરમિયાન બેન્કોના ખાતામાં જમા સરેરાશ રકમ વધીને રૂ.91,472 પર પહોંચી છે. જે ગત વર્ષે સપ્ટેમ્બરમાં સરેરાશ જમા રકમથી રૂ.7,014 વધુ છે. એસબીઆઇના રિપોર્ટ અનુસાર ગ્રાહકો સેવિંગ્સ એકાઉન્ટની તુલનામાં વધુ વ્યાજ આપતી ફિક્સ્ડ ડિપોઝિટ (એફડી) અથવા ટર્મ ડિપોઝિટ સ્કીમમાં રોકાણ વધારી રહ્યા છે.
સપ્ટેમ્બર 2024માં બેન્કોની કુલ ડિપોઝિટમાં એફડીનો હિસ્સો વધીને 61.4% થયો છે. તે એક વર્ષ પહેલા 59.8% હતો. એફડી એકાઉન્ટમાં વાર્ષિક આધાર પર સરેરાશ રૂ.46,728નો વધારો થયો છે. જ્યારે, ઓછા વ્યાજદરો ઑફર કરતા બચત ખાતામાં જમા રકમ સપ્ટેમ્બર 2024માં પ્રતિ એકાઉન્ટ સરેરાશ રૂ.32,485 રહી છે, જે લગભગ ગત વર્ષ જેટલી જ છે.
હવે લોનથી વધુ રકમ બેન્કોમાં જમા એસબીઆઇએ આ રિપોર્ટમાં કહ્યું છે કે બેન્કો દ્વારા મોટા પાયે અનસિક્યોર્ડ લોન્સના વિતરણ વિરુદ્ધ આરબીઆઇની સખ્તાઇને કારણે ક્રેડિટની ગતિ ઘટી રહી છે અને ડિપોઝિટ વધી રહી છે. તાજેતરના ડેટા અનુસાર 15 નવેમ્બર સુધી તમામ શેડ્યુલ્ડ કોમર્શિયલ બેન્કોમાં ક્રેડિટ ની ગતિ ઘટી છે. એએસસીબીની ઇંક્રિમેન્ટલ ક્રેડિટ વાર્ષિક આધાર પર 5.3%ના ગ્રોથ સાતે 9.3 લાખ કરોડ રહી છે, જ્યારે ડિપોઝિટ 6.7%ના ગ્રોથ સાથે 13.7 લાખ કરોડ રૂપિયા નોંધાઇ છે. ગત વર્ષના સમાન સમયગાળામાં વાર્ષિક 14.2%ના ગ્રોથ સાથે 19.4 લાખ કરોડની ઇંક્રિમેન્ટલ ક્રેડિટ હતી, જ્યારે ડિપોઝિટ 8.9ના ગ્રોથ સાથે 16 લાખ કરોડ હતી.