ડિફેન્ડિંગ ચેમ્પિયન ગુજરાત ટાઇટન્સે ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની વર્તમાન સિઝનના પ્લેઓફ માટે ક્વોલિફાય કરી લીધું છે. આ ટીમ પ્લેઓફમાં પ્રવેશનારી પ્રથમ ટીમ બની હતી. હાર્દિક પંડ્યાની કેપ્ટનશિપની ટીમે સનરાઇઝર્સ હૈદરાબાદને ઘરઆંગણે 34 રનથી હરાવ્યું હતું. પોઇન્ટ્સ ટેબલમાં ગુજરાતના 18 પોઇન્ટ્સ થઈ ગયા છે. અને ટૉચ પર સ્થાન મજબૂત બનાવ્યું છે. આ સાથે જ ગુજરાત સતત બીજા વર્ષે પ્લેઑફમાં પહોંચી છે. જ્યારે સનરાઇઝર્સ હૈદરાબાદ બહાર થઈ ગયું છે.
નરેન્દ્ર મોદી સ્ટેડિયમમાં પ્રથમ બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 9 વિકેટે 188 રન બનાવ્યા હતા. જવાબમાં હૈદરાબાદ 20 ઓવરમાં 9 વિકેટે 154 રન જ બનાવી શકી હતી.
ક્લાસેનની બીજી અડધી સદી
હેનરિક ક્લાસને કારકિર્દીની બીજી અડધી સદી ફટકારી હતી. તેણે 35 બોલમાં ફિફ્ટી પૂરી કરી હતી. વર્તમાન સિઝનમાં પણ ક્લાસેનની આ બીજી અડધી સદી છે. તે 145.45ના સ્ટ્રાઈક રેટથી 44 બોલમાં 64 રન બનાવીને આઉટ થયો હતો. તેની ઇનિંગમાં 4 ચોગ્ગા અને 3 છગ્ગાનો સમાવેશ થાય છે.
189 રનના ટાર્ગેટને ચેઝ કરતા હૈદરાબાદની શરૂઆત ખરાબ રહી હતી. ટીમે 6 ઓવરમાં 45 રન બનાવીને ચાર વિકેટ ગુમાવી દીધી હતી. અનમોલપ્રીત સિંહ 5, અભિષેક શર્મા 4, રાહુલ ત્રિપાઠી 1 અને કેપ્ટન એડન માર્કરમ 10 રન બનાવીને આઉટ થયા હતા. શમીએ આમાંથી ત્રણને આઉટ કર્યા હતા.