દેશ આજે તેનો 75મો ગણતંત્ર દિવસ ઉજવી રહ્યો છે. રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ બીજી વખત રાજપથ પર તિરંગો ફરકાવશે. ફ્રાન્સના રાષ્ટ્રપતિ ઈમેન્યુઅલ મેક્રોન ચીફ ગેસ્ટ છે. 13 હજાર ખાસ મહેમાનો પણ આવશે. આ વખતે ગણતંત્ર દિવસની થીમ 'વિકસિત ભારત' અને ભારત - લોકશાહીની માતા (જનની) છે.
પરેડ સવારે 10:30 વાગ્યે શરૂ થશે અને લગભગ 90 મિનિટ સુધી ચાલશે. પરેડની શરૂઆત 100 મહિલા મ્યુઝિશિયન શંખ, ડ્રમ અને અન્ય પરંપરાગત સંગીતનાં સાધનો વગાડીને કરશે.
પરેડમાં 1500 મહિલાઓ તેમના પરંપરાગત પોશાકમાં લોકનૃત્યો રજૂ કરશે. સંરક્ષણ મંત્રાલય સમારોહ દરમિયાન સ્મારક સિક્કો અને સ્મારક ટિકિટ બહાર પાડશે.
આ વખતે ત્રણેય સૈન્ય, અર્ધ-લશ્કરી જૂથો અને પોલીસ ટુકડીઓનું નેતૃત્વ પ્રથમ વખત મહિલાઓ કરશે. ત્રણેય સેનાઓની ટુકડીનું નેતૃત્વ ભારતીય સેનાના કેપ્ટન શરણ્યા રાવ કરશે. કેન્દ્રીય સશસ્ત્ર દળોની ટુકડીઓમાં મહિલા કર્મચારીઓ પણ ભાગ લેશે. BSF, CRPF અને SSBની મહિલા કર્મચારીઓ 350CC રોયલ એનફિલ્ડ બુલેટ પર સવારી કરીને સાહસિક સ્ટંટ કરશે.
ફ્લાયપાસ્ટમાં વાયુસેનાના 51 વિમાનો ભાગ લેશે. જેમાં 29 ફાઈટર પ્લેન, 7 ટ્રાન્સપોર્ટ એરક્રાફ્ટ, 9 હેલિકોપ્ટર અને એક હેરિટેજ એરક્રાફ્ટ સામેલ હશે. ફ્રાન્સ આર્મીનું રાફેલ પણ પ્રથમ વખત ફ્લાયપાસ્ટમાં ભાગ લઈ રહ્યું છે.