ભારતીય મૂળના કશ્યપ કાશ પટેલ યુએસ તપાસ એજન્સી ફેડરલ બ્યુરો ઓફ ઇન્વેસ્ટિગેશન (FBI)ના ડિરેક્ટર બન્યા છે. યુએસ સંસદના ઉપલા ગૃહ સેનેટે તેમની નિમણૂકને મંજૂરી આપી દીધી છે. ગુરુવારે મતદાન દરમિયાન તેઓ 51-49 ની બહુમતી સાથે આ પદ માટે ચૂંટાયા હતા.
ડેમોક્રેટિક પાર્ટીના સાંસદો ઉપરાંત, બે રિપબ્લિકન સાંસદો સુસાન કોલિન્સ અને લિસા મુર્કોવસ્કીએ પટેલ વિરુદ્ધ મતદાન કર્યું. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીના સાંસદોને ડર છે કે પદ સંભાળ્યા પછી, કાશ પટેલ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશોનું પાલન કરશે અને તેમના વિરોધીઓને નિશાન બનાવશે.
કાશ પટેલ ભારતીય ઇમિગ્રન્ટ્સનો દીકરો છે. તેમનો જન્મ એક ગુજરાતી પરિવારમાં થયો હતો. 1970ના દાયકામાં યુગાન્ડાના શાસક ઈદી અમીને તેમને દેશ છોડવાનો આદેશ આપ્યા બાદ કાશ પટેલના માતા-પિતા કેનેડા થઈને અમેરિકા ભાગી ગયા હતા. 1988માં પટેલના પિતાને અમેરિકી નાગરિકતા મળ્યા બાદ એક વિમાન કંપનીમાં નોકરી મળી.
2004માં કાયદાની ડિગ્રી પૂર્ણ કર્યા પછી, જ્યારે પટેલને કોઈ મોટી કાયદાકીય પેઢીમાં નોકરી ન મળી ત્યારે તેમણે સરકારી વકીલ તરીકે કામ કરવાનું શરૂ કર્યું. જોકે, તેમને પોતાને ગમતી નોકરી માટે 9 વર્ષ રાહ જોવી પડી.
કાશ પટેલ 2013માં વોશિંગ્ટનમાં ન્યાય વિભાગમાં જોડાયા. ત્રણ વર્ષ અહીં રહ્યા પછી 2016 માં પટેલને ગુપ્ત માહિતી સાથે કામ કરતી સ્થાયી સમિતિમાં સ્ટાફ સભ્ય તરીકે નિયુક્ત કરવામાં આવ્યા. આ વિભાગના વડા ડેવિડ નુન્સ હતા, જે ટ્રમ્પના કટ્ટર સાથી હતા.