રાજકોટ શહેર ભાજપના નવા પ્રમુખ તરીકે મુકેશ દોશીની નિમણૂક કરાઈ છે. આ સાથે જ શહેર ભાજપના નવા માળખાને લઈને રાજકારણ ગરમાયું છે જે મામલે એક જ સપ્તાહમાં નિર્ણય આવશે તેવું મુકેશ દોશીએ જણાવ્યું છે. માળખાને લઈને દોશીએ જણાવ્યું હતું કે, પ્રદેશ કક્ષાએથી માર્ગદર્શનની રાહ જોવાઈ રહી છે. પ્રદેશ પ્રમુખને મળ્યા બાદ નક્કી થશે જોકે એકાદ સપ્તાહમાં જ સ્પષ્ટ થઈ જશે કે કઈ રીતે નિમણૂક કરવાની છે.
હાલની સ્થિતિએ જે હોદ્દેદારો છે તેમાં મોટા પરિવર્તનની શક્યતા છે. યુવા આગેવાનો અને ઓછામાં ઓછી 6 મહિલાઓને શહેર ભાજપના માળખામાં સમાવિષ્ટ કરી દેવાશે. આ ઉપરાંત એક વ્યક્તિ એક હોદ્દાની રૂએ કામગીરી થશે જોકે નો રિપીટ થિયરી અપનાવાશે તો હાલના એકેય હોદ્દેદારને સ્થાન નહિ મળે પણ નેતાઓને આશા છે કે, સંગઠનમાં નો રિપીટ થિયરીને બદલે વર્તમાન હોદ્દેદારોને અન્ય જવાબદારી સોંપાશે. શહેર ભાજપનું માળખું તૈયાર થઈ ગયા બાદ ભાજપનો મહિલા મોરચો, વિવિધ સેલ અને અન્ય પાંખોમાં પણ હોદ્દેદારો બદલવામાં આવશે.