શહેરની ભાગોળે આજીડેમે ફરવા અને નહાવા ગયેલા જાગનાથ વિસ્તારના સાત નેપાળી તરૂણવયના મિત્રોમાંથી બે તરૂણનું ડૂબી જવાથી મૃત્યુ થયું હતું, બનાવની જાણ થતાં ફાયરબ્રિગેડની ટીમ દોડી ગઈ હતી અને જવાનોએ બંનેના મૃતદેહ બહાર કાઢ્યા હતા.
જાગનાથ વિસ્તારમાં આલાબાઇના ભઠ્ઠા પાસે રહેતો રાહુલ શેરબહાદુર વિશ્વકર્મા (ઉ.વ.16), કિસાનપરા પાસેની શક્તિ સોસાયટીમાં રહેતો અભિમન્યુ સુરેશભાઇ ટમટા (ઉ.વ.13) સહિત સાત નેપાળી મિત્રો શુક્રવારે સવારે પોતાના ઘરેથી સાઇકલ લઇને આજીડેમે ફરવા ગયા હતા, આજીડેમના બગીચામાં આનંદ કિલ્લોલ કર્યા બાદ સાતેય મિત્રો ભાવનગર રોડ તરફ રવિવારી બજાર ભરાય છે તે વિસ્તારમાં આજીડેમના પાણીમાં નહાવા પડ્યા હતા.
ઉનાળાના ધોમધખતા તાપમાં ડેમના શીતળ પાણીમાં ધુબાકા મારી સાતેય મિત્રો મોજ માણી રહ્યા હતા તે વખતે અભિમન્યુ ટમટા અચાનક જ ડૂબવા લાગ્યો હતો, મિત્રને ડૂબતો જોઇ કિનારા નજીક નહાઈ રહેલો રાહુલ આગળ વધ્યો હતો અને મિત્ર અભિમન્યુને બચાવવા જતાં તે પણ ઊંડા પાણીમાં ગરક થઇ ગયો હતો. અને તે પણ ડૂબવા લાગ્યો હતો.
નજર સામે બે મિત્રો પાણીમાં ગરક થતાં અન્ય પાંચ તરુણો ડઘાઇ ગયા હતા અને બચાવો-બચાવોની બૂમો પાડતા આસપાસના વિસ્તારમાથી લોકો દોડી ગયા હતા, ઘટના અંગે જાણ કરાતાં ફાયરબ્રિગેડ અને આજીડેમ પોલીસની ટીમ દોડી ગઇ હતી.