પહેલગામ હુમલા પછી ભારતના કડક નિર્ણયોના જવાબમાં, પાકિસ્તાને બંને દેશો વચ્ચેના તમામ દ્વિપક્ષીય કરારોને સ્થગિત કરવાની વાત કરી છે. આમાં 1972ના સિમલા કરારનો પણ સમાવેશ થાય છે.
આ નિર્ણયો પાકિસ્તાનની રાષ્ટ્રીય સુરક્ષા સમિતિમાં લેવામાં આવ્યા હતા. તેની અધ્યક્ષતા પીએમ શેહબાઝ શરીફે કરી હતી. એક દિવસ પહેલા, ભારતે સિંધુ જળ સંધિ સ્થગિત રાખવા સહિત 5 મોટા નિર્ણયો પણ લીધા હતા.
પાકિસ્તાને કહ્યું કે જો ભારત સિંધુ જળ સંધિ અટકાવે છે, તો તેને યુદ્ધની કાર્યવાહી માનવામાં આવશે.
પાકિસ્તાને SAARC SVE હેઠળના તમામ વિઝા સસ્પેન્ડ કર્યા. શીખ યાત્રાળુઓ સિવાયના તમામ ભારતીય નાગરિકોને 48 કલાકની અંદર પાછા ફરવાનો આદેશ આપવામાં આવ્યો છે.
ભારત સાથેના તમામ વેપારને સ્થગિત કરવા, ભારતીય માલિકીની અને ભારતીય સંચાલિત બધી એરલાઇન્સ માટે એરસ્પેસ બંધ કરવામાં આવી છે.
પાકિસ્તાને ભારત સાથેના તમામ દ્વિપક્ષીય કરારો રદ કરવાની ધમકી આપી છે. આમાં સિમલા કરારનો પણ સમાવેશ થાય છે.