શહેરના ઉપલાકાંઠા વિસ્તારના દૂધસાગર રોડ પરના રબ્બાની કોમ્પ્લેક્સની દુકાનમાં ચાલતી જુગાર ક્લબ પર પોલીસે દરોડો પાડી જુગટું રમી રહેલા 21 ઇસમોને રૂ.7.03 લાખના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, ક્લબ ચલાવનાર ત્રિપુટી પોલીસને હાથ આવી નહોતી અને આ વિસ્તારના રાજકીય આગેવાનના આશીર્વાદથી ક્લબ શરૂ થયાની ચર્ચાએ જોર પકડતાં પોલીસે તે દિશામાં તપાસ શરૂ કરી હતી.
રાજકોટ ડેરી પાસેની ફારૂકી મસ્જિદ નજીક આવેલા રબ્બાની કોમ્પ્લેક્સની દુકાનોમાં જુગાર રમાઇ રહ્યાની માહિતી મળતાં ક્રાઇમબ્રાંચના પીઆઇ બી.ટી.ગોહિલ સહિતની ટીમ દોડી ગઇ હતી, પોલીસ પહોંચતા જ જુગારીઓમાં દોડધામ મચી ગઇ હતી, પોલીસે જુગાર રમી રહેલા 21 ઇસમોને પકડી લઇ 23 મોબાઇલ, 7 બાઇક, રોકડા રૂ.1.91 લાખ સહિત કુલ રૂ.7.03 લાખનો મુદ્દામાલ કબજે કર્યો હતો, પોલીસે જુગાર રમતા ઝડપાયેલાઓની પૂછપરછ કરતાં શાહબાઝ, જયેશ ઓડ અને સૌકેત કરગથરા જુગાર રમાડતા હોવાનું ખુલ્યું હતું, જોકે આ ત્રણ શખ્સો સ્થળ પરથી પોલીસને મળ્યા નહોતા.
પોલીસ સૂત્રોએ જણાવ્યું હતું કે, અઠવાડિયાથી તીનપત્તીનો જુગાર રમાડાતો હતો, બહારથી જુગારીઓને બોલાવી નાલ ઉઘરાવી જુગાર રમાડાતો હતો, અઠવાડિયાથી ક્લબ ધમધમતી હતી છતાં સ્થાનિક થોરાળા પોલીસને આ અંગે જાણ ન હોય તે બાબત શંકાસ્પદ છે અને સ્થાનિક પોલીસ સામે પણ કેટલાક સવાલો ઉઠ્યા હતા,