તાઉતે વાવાઝોડાનાં બે વર્ષ બાદ ગુજરાતના કાંઠે વધુ એક વાવાઝોડાનો ખતરો ઊભો થયો છે. ગુજરાતના કાંઠાથી 1120 કિલોમીટર દૂર દરિયામાં વાવાઝોડાના સંજોગો સર્જાયા છે. ભારતીય હવામાન વિભાગે આપેલી વિગતો મુજબ દરિયામાં સર્જાયેલી લૉ-પ્રેશર સિસ્ટમ 7-8 જૂન સુધીમાં વાવાઝોડામાં ફેરવાય એવી શક્યતા છે. આ વાવઝોડાને બાંગ્લાદેશે ‘બિપોરજોય’ નામ આપ્યું છે, જેનો અર્થ જ ‘આફત’ થાય છે. દરમિયાન વાવાઝોડાની શક્યતાને ધ્યાનમાં રાખીને ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે બે નંબરનું સિગ્નલ ફરકાવી દેવાયું છે.
ગુજરાતનાં તમામ બંદરોના કાંઠે બે નંબરનું સિગ્નલ
હવામાન વિભાગે માછીમારોને સમુદ્ર ન ખેડવા સલાહ આપી છે, કેમ કે દરિયામાં મોજાં ઉછળી રહ્યાં છે. 9મી અને 10મી જૂને ભારે વરસાદની પણ શક્યતા વ્યક્ત કરવામાં આવી છે. જો આ વાવાઝોડું કાંઠે અથડાશે તો ભારે વરસાદ પડશે. વાવાઝોડાનો માર્ગ જોતા એ કદાચ 12-13 જૂન સુધીમાં ઓમાન તરફ ફંટાય એવી પણ શક્યતા છે.
વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે
આ વાવાઝોડાની અસર સમગ્ર પશ્ચિમ ભારતના કાંઠે થશે. મુંબઈથી લો-પ્રેશર સિસ્ટમ 1160 કિલોમીટર, જ્યારે ગોવાથી 920 કિલોમીટર દૂર છે. આ વાવાઝોડાને કારણે જ કેરળના કાંઠે ચોમાસાને વિપરિત અસર થઈ છે. હવામાન વિભાગે કેરળના કાંઠે ચોમાસુ ક્યારે આવશે એ પણ સ્પષ્ટ નથી કર્યું.