વૈશ્વિક સ્તરે આર્થિક અનિશ્ચિતતાઓના વાદળો વચ્ચે ભારતીય શેરબજારમાં વોલેટિલિટી જળવાઈ રહેતા આજે સપ્તાહના પ્રથમ કારોબારી દિવસે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું. અમેરિકાની ટેરિફ ડેડલાઈન ઘણા દેશો માટે નજીક આવી રહી હોઈ અમેરિકા સાથે ડિલની વાટાઘાટો વચ્ચે ડોનાલ્ડ ટ્રમ્પે ફરી યુરોપીયન યુનિયન પર 50% ટેરિફનું એલાન કરતાં અને હજુ અન્ય ચીજો મામલે અનિશ્ચિતતાએ વૈશ્વિક વેપાર સેન્ટીમેન્ટ ડહોળાવાની શકયતા સાથે જીઓપોલિટીકલ ટેન્શન વધી રહ્યું હોઈ વૈશ્વિક બજારોમાં સાવચેતી સામે આજે સ્થાનિક બજારમાં તેજીનો માહોલ જોવા મળ્યો હતો.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, અમેરિકાએ યુરોપ સામે ફરી ટેરીફનું શસ્ત્ર ઉગામતાં વૈશ્વિક ટ્રેડ વોર ફરી શરૂ થવાની શક્યતા વચ્ચે વૈશ્વિક ડોલર ઈન્ડેકસ તથા બોન્ડ યીલ્ડ ઘટતા આજે ડોલર સામે રૂપિયાના મૂલ્યમાં ઉછાળો નોંધાયો હતો, જયારે ઓપેકના દેશો ઉત્પાદન વધારશે એવા નિર્દેશોએ ક્રૂડઓઈલના ભાવ દબાણ હેઠળ રહ્યા હતા.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 0.56% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 0.48% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર માત્ર સર્વિસીસ શેરોમાં વેચવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.
બીએસઈમાં કુલ ટ્રેડીંગ થયેલી 4267 સ્ક્રિપોમાંથી ઘટનારની સંખ્યા 1772 અને વધનારની સંખ્યા 2301 રહી હતી, 194 શેરના ભાવમાં કોઈ ફેરબદલ જોવાયો ન હતો. જ્યારે 10 શેરોમાં ઓનલી સેલરની મંદીની નીચલી સર્કિટ સામે 8 શેરોમાં ઓનલી બાયરની તેજીની ઉપલી સર્કિટ રહી હતી.