દેશની મ્યુચ્યુઅલ ફંડ ઇન્ડસ્ટ્રીમાં SIP મારફતે ફંડના મજબૂત પ્રવાહ છતાં મે મહિના દરમિયાન કુલ 14.19 લાખ એકાઉન્ટ બંધ કરવામાં આવ્યા હતા. જેની ટકાવારી 7.4 ટકા છે. આ જ સમયમાં એટલે કે મે દરમિયાન નવા એસઆઇપી એકાઉન્ટની સંખ્યા વધીને 24.7 લાખ નોંધાઇ છે. જે એપ્રિલ દરમિયાન 19.56 લાખ હતી. જે મે દરમિયાન નવા 5 લાખ એકાઉન્ટનો ઉમેરો દર્શાવે છે તેવું એસોસિએશન ઑફ મ્યુચ્યુઅલ ફંડ્સ ઇન ઇન્ડિયા (AMFI)એ જણાવ્યું હતું.
મે મહિનામાં બંધ થયેલા એકાઉન્ટની સામે નવા SIP એકાઉન્ટની વધુ સંખ્યા રોકાણકારોમાં આ રૂટ પર રહેલો ભરોસો દર્શાવે છે તેવું SBI મ્યુ. ફંડના ડેપ્યુટી એમડી અને સીબીઓ ડી.પી.સિંઘે જણાવ્યું હતું. તેનું એક કારણ ઑનલાઇન માધ્યમ મારફતે સરળતાપૂર્વક એકાઉન્ટને બંધ કરવાની પ્રક્રિયા પણ હોય શકે છે. બીજી તરફ રોકાણકારોએ મ્યુચ્યુઅલ ફંડમાં રોકાણ કરવાનું ચાલુ રાખતા ગત મહિને SIPમાં કુલ રૂ.14,749 કરોડનું રોકાણ જોવા મળ્યું હતું જેમાં એપ્રિલ દરમિયાન રૂ.13,728 કરોડનો ઘટાડો થયો હતો. માર્ચમાં તે રૂ.14,276 કરોડ હતુ.
આ મજબૂત રોકાણના પ્રવાહને કારણે SIPની એસેટ અંડર મેનેજમેન્ટ (AUM) 5 ટકા વધીને રૂ.7.53 લાખ કરોડ નોંધાઇ હતી જે એપ્રિલ દરમિયાન રૂ.7.17 લાખ કરોડ હતી. SIPમાં વધુને વધુ રોકાણ દર્શાવે છે કે રોકાણકારોએ સરેરાશ ટિકિટ સાઇઝ કરતાં તેમાં વધુ રોકાણ કર્યું છે.