વડોદરાના ભાજપના કોર્પોરેટર કલ્પેશ પટેલ ઉર્ફે જય રણછોડ દ્વારા ગીરો મૂકેલી તથા અન્યને ભાડે આપેલી મિલકતનો સોદો કરી 1 કરોડ પડાવી લેવાના આક્ષેપ અંગે કોર્ટ દ્વારા પોલીસને FIR દાખલ કરી તપાસ કરવાનો હુકમ કરવામાં આવ્યા બાદ આજે માંજલપુર પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાઈ છે.
અમારી પાસેથી 1 કરોડ પડાવ્યા
એ.પી. ઇન્ફ્રાસ્ટ્રક્ચરના ભાગીદાર પ્રાણનાથ એસ.શેટ્ટી ( રહે. ગજાનંદ સોસાયટી, માંજલપુર નાકા) એ ગત તા.14 -10 -2019ના રોજ પોલીસ કમિશનર કચેરીમાં ફરિયાદ આપી જણાવ્યું હતું કે, ભાજપના કોર્પોરેટર કલ્પેશ મનુભાઇ પટેલે મને કહ્યું હતું કે, માંજલપુર વિસ્તારમાં આવેલી વૈષ્ણોદેવી સોસાયટીના ગ્રાઉન્ડ ફ્લોર પર આવેલી બે દુકાનો તેમજ બીજો અને ત્રીજો માળ વેચવાના છે. અમે દોઢ કરોડમાં તે મિલકત વેચાણ રાખવાનું નક્કી કર્યુ હતું. તે પૈકી 1 કરોડ રૂપિયા કલ્પેશ પટેલને ચૂકવ્યા હતા પરંતુ, અગાઉથી જ આ મિલકત બેન્કમાં ગીરો મૂકેલી હતી અને અન્યને ભાડે આપી હતી. જેથી, આ મિલકત ચોખ્ખી નહોતી તેમછતાં અમારી પાસેથી 1 કરોડ પડાવી લીધા હતા. આ ઉપરાંત રિવોલ્વર બતાવીને ગર્ભિત ધમકીઓ આપે છે. આ કેસની તપાસ નિષ્પક્ષ નહીં થતા પોલીસ કમિશનરને લેખિતમાં રજૂઆત કરવામાં આવી હતી તેમછતાં કોઈ કાર્યવાહી ન હાઇકોર્ટમાં પિટીશન દાખલ કરાતાં ગુજરાત હાઇકોર્ટે યોગ્ય તપાસ કરવાનો હુકમ કર્યો હતો.