જસદણ તાલુકાના જસાપર ગામેથી પસાર થતી ભાદર નદીમાં વરસાદી પાણીની નવી આવક જતા નદીની બાજુમાં રહેતા દીપક લખમણભાઈ ગોરસવા (ઉ.વ.35) નામનો યુવાન બપોરના 12 વાગ્યા આસપાસ પરિવારજનોને કહ્યા વગર નદીના કાંઠે ન્હાવા પડ્યો હતો. પરંતુ નદીમાં ભરપુર પાણી ભરેલું હોવાથી તે ઊંડા પાણીમાં ગરકાવ થઈ ગયો હતો.
યુવાન ઘરે પરત નહી આવતા તેની શોધખોળ હાથ ધરી હતી. તે દરમિયાન યુવાનના કપડાં અને ચપ્પલ નદીના કાંઠેથી મળી આવતા તાત્કાલિક જસદણ ફાયર બ્રિગેડની ટીમને જાણ કરવામાં આવી હતી. અડધી કલાકની શોધખોળ કર્યા બાદ નદીમાંથી યુવાનનો મૃતદેહ હાથ લાગતા તેના પરિવારજનોમાં અરેરાટી વ્યાપી ગઈ હતી.
આ બનાવની જાણ થતા આટકોટ પોલીસ પણ ઘટના સ્થળે દોડી આવી હતી અને લોકોના ટોળેટોળા પણ ઘટના સ્થળે એકઠા થઈ ગયા હતા. આ બનાવમાં આટકોટ પોલીસની તપાસ દરમિયાન મૃતક દિપક પરિણીત હોવાનું અને માનસિક અસ્થિર હોવાનું તેમજ તેને સંતાનમાં એક દીકરી હોવાનું જાણવા મળ્યું હતું.