કેનેડામાં તાજેતરમાં એક રેલી કાઢીને ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને ધમકી આપી હતી. આ મુદ્દે વિદેશમંત્રી એસ. જયશંકરે સોમવારે કહ્યું કે ઉગ્રવાદી, અતિવાદી ખાલિસ્તાની વિચારસરણી ભારત અથવા અમેરિકા, બ્રિટન, કેનેડા, ઓસ્ટ્રેલિયા જેવા તેના સહયોગી દેશો માટે યોગ્ય નથી. જો તો પણ આ ખાલિસ્તાનીઓને કોઈ દેશ આશરો આપશે તો તેની સીધી અસર સંબંધો પર પડશે.
હવે ભારત સરકાર કેનેડામાં હાલમાં એક રેલીમાં ખાલિસ્તાન સમર્થક પોસ્ટર પ્રદર્શિત કરવાનો મુદ્દો ઉઠાવવા જઈ રહી છે. આ પોસ્ટરમાં ખાલિસ્તાન સમર્થકોએ આઠમી જુલાઈએ રેલી કાઢવાની વાત કરી છે. તેમાં ખાલિસ્તાન સમર્થકોએ ભારતીય દૂતાવાસના અધિકારીઓને નિશાન બનાવીને ગુસ્સો વ્યક્ત કર્યો છે.
નોંધનીય છે કે ખાલિસ્તાન કમાન્ડો ફોર્સના વડા હરદીપ સિંહ નિજ્જરની 18 જૂને ગોળી મારીને હત્યા કરાઈ હતી. તે ભારતીયો વિરુદ્ધની હિંસામાં સામેલ હતો.