બાંગ્લાદેશના વન-ડે કેપ્ટન તમીમ ઇકબાલે એક જ દિવસમાં નિવૃત્તિનો નિર્ણય પાછો લઈ લીધો છે. ઇકબાલે નિવૃત્તિમાંથી પરત ફરવાનો નિર્ણય બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાના કહેવા પર લીધો છે. મીડિયા રિપોર્ટ્સ અનુસાર, તમીમ શુક્રવારે બપોરે તેની પત્ની સાથે બાંગ્લાદેશના વડાપ્રધાન શેખ હસીનાને મળ્યો હતો. તેની સાથે બાંગ્લાદેશ ક્રિકેટ બોર્ડના પ્રમુખ નજુમલ હસન અને ટીમના પૂર્વ કેપ્ટન મશરફે મોર્તઝા પણ હતા.
ટીકાઓથી દુઃખી થઈને નિવૃત્ત થયો
હાલમાં અફઘાનિસ્તાનની ટીમ બાંગ્લાદેશના પ્રવાસે છે. ત્રણ વન-ડે શ્રેણીની પ્રથમ મેચમાં ટીમને હારનો સામનો કરવો પડ્યો હતો. આ હાર બાદ ઇકબાલની કેપ્ટનશિપની ટીકા થઈ રહી હતી. જે બાદ તમીમ ઇકબાલે ગુરુવારે એક પ્રેસ કોન્ફરન્સમાં વન-ડે ઈન્ટરનેશનલમાંથી નિવૃત્તિની જાહેરાત કરી હતી.
ભાવુક ઈકબાલે કહ્યું હતું કે, બુધવારની અફઘાનિસ્તાન સામેની મેચ મારી છેલ્લી વન-ડે હતી. તમીમે કહ્યું, 'મારા માટે આ અંત છે. મેં હંમેશા મારું સર્વશ્રેષ્ઠ આપ્યું છે અને હવેથી હું મારી નિવૃત્તિની જાહેરાત કરું છું. મેં આ નિર્ણય અચાનક નથી લીધો, હું ઘણા દિવસોથી તેના વિશે વિચારી રહ્યો હતો. હું કારણ જણાવવા માગતો નથી, પરંતુ મારા પરિવાર સાથે વાત કર્યા બાદ જ મેં આ નિર્ણય લીધો હતો. 31 ઓગસ્ટથી શરૂ થઈ રહેલા એશિયા કપમાં રમવા પહેલા તેઓ દોઢ મહિનાનો બ્રેક પણ લેશે.