સંસદના ચોમાસુ સત્રનો આજે (3 ઓગસ્ટ) 11મો દિવસ છે. દિલ્હી ઓર્ડિનન્સ બિલ પર લોકસભામાં ચર્ચા થઈ શકે છે. ડિજિટલ પર્સનલ ડેટા પ્રોટેક્શન બિલ પણ રજૂ કરવામાં આવશે.
વિપક્ષ ગઠબંધન I.N.D.I.A ના સાંસદો સવારે 10 વાગ્યે રાજ્યસભામાં વિપક્ષના નેતા મલ્લિકાર્જુન ખડગેના કાર્યાલયમાં મળશે અને ગૃહમાં વ્યૂહરચના પર ચર્ચા કરશે.
મણિપુર મુદ્દે ચર્ચાની માગણી સાથે વિપક્ષ છેલ્લા 10 દિવસથી ગૃહમાં હોબાળો મચાવી રહ્યો છે. બુધવારે લોકસભા સ્પીકર ઓમ બિરલા વિપક્ષના વલણથી નારાજ થયા હતા.
તેમણે ગૃહમાં આવવા અને તેમની ખુરશી પર બેસવાનો ઇનકાર કર્યો હતો, જેના પગલે આંધ્ર પ્રદેશના રાજમપેટના સાંસદ પીવી મિધુન રેડ્ડીએ લોકસભાની કાર્યવાહી હાથ ધરી હતી.
આ તરફ રાજ્યસભામાં વિપક્ષી દળોએ મણિપુર હિંસા પર ચર્ચાની માંગ સાથે અધ્યક્ષ જગદીપ ધનખડને 58 નોટિસ રજૂ કરી હતી, જેને અધ્યક્ષે ફગાવી દીધી હતી.
ધનખડે કહ્યું કે તેઓ પીએમને ગૃહમાં આવવાની સૂચના આપી શકતા નથી. આના પર નારાજ વિપક્ષે રાજ્યસભામાંથી વોકઆઉટ કર્યું અને રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મને મળ્યા હતા.