વૈશ્વિક સ્તરે મંદીનું જોખમ ઘટ્યું છે ત્યારે ફુગાવાની ચિંતા હજુ પણ છે જે વૈશ્વિક આર્થિક સ્થિરતાને લઇને જોખમ ઉભું કરે છે. આંતરરાષ્ટ્રીય સંસ્થાઓ અને રેટિંગ એજન્સીઓએ આ વર્ષે વધુ સ્લો ડાઉનની આગાહી કરી છે. જોખમોમાં મિડલ ઇસ્ટમાં વધેલો તણાવ, આર્થિક તણાવ, સતત ફુગાવો તેમજ આંતરરાષ્ટ્રીય વેપારમાં ઘટાડો છે.
વૈશ્વિક અર્થતંત્ર પર દેવાનું સંકટ તોળાઇ રહ્યું છે. ઇન્ટરનેશનલ મોનેટરી ફંડના ગ્લોબલ ડેટ મોનિટર અનુસાર કુલ વૈશ્વિક દેવું વધીને $235 ટ્રિલિયન રહ્યું છે, જે વૈશ્વિક જીડીપીના 238% છે. આ તમામ નિરાશા વચ્ચે પણ ભારત વિશ્વ સ્તરે ઉભરતી આર્થિક મહાશક્તિ તરીકે નજરે પડી રહ્યું છે. RBIએ તેની માસિક આર્થિક સમીક્ષામાં જણાવ્યું છે કે ભારત આર્થિક ઉડાન તરફ પ્રયાણ કરી રહ્યું છે. ભૌગોલિક રાજકીય પડકારો અને સપ્લાય ચેઇનના દબાણ વચ્ચે પણ ભારત સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર બની રહેશે.
મે 2024ના પોતાના ઇકોનોમિક આઉટલુકમાં, ઓર્ગેનાઇઝેશન ફોર ઇકોનોમિક કોર્પોરેશન એન્ડ ડેવલપમેન્ટે (OECD) વર્ષ 2024માં 3.1% અને 2025માં 3.2%ના વૈશ્વિક વૃદ્ધિદરનું અનુમાન વ્યક્ત કર્યું છે.
ભારતનો આર્થિક વૃદ્ધિદર વર્ષ 2025 દરમિયાન 6.6%, ચીનનો 4.9% અને બ્રાઝિલનો 1.9% રહેવાની શક્યતા છે. જ્યારે યુએસ, યુકે અને યુરોમાં અનુક્રમે 2.6%, 0.4% તેમજ 0.7% રહેવાનો અંદાજ છે.