ભારત અને વેસ્ટ ઇન્ડીઝ વચ્ચેની બીજી ટેસ્ટ મેચ આજે સવારે 9:30 વાગ્યાથી નવી દિલ્હીના અરુણ જેટલી સ્ટેડિયમમાં રમાશે. ટૉસ સવારે 9 વાગ્યે થશે. અમદાવાદમાં પહેલી ટેસ્ટ જીતીને ટીમ ઈન્ડિયાએ 1-0ની સરસાઈ મેળવી લીધી છે, હવે ટીમની નજર ક્લીન સ્વીપ પર છે.
બીજી તરફ, વેસ્ટ ઇન્ડીઝની ટીમ સતત 4 ટેસ્ટ ગુમાવી ચૂકી છે, ટીમ પોતાની પ્લેઇંગ-11માં કેટલાક બદલાવ પણ કરી શકે છે. પહેલા મુકાબલામાં ટીમ બંને ઇનિંગ્સ મળીને પણ 90 ઓવર બેટિંગ કરી શકી નહોતી.
ઘરેલુ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝથી આગળ નીકળવાનો મોકો ટીમ ઈન્ડિયા પાસે ઘરેલુ મેદાન પર વેસ્ટ ઇન્ડીઝથી વધારે ટેસ્ટ જીતવાનો મોકો છે. બંને વચ્ચે અત્યાર સુધી ભારતમાં 48 ટેસ્ટ રમાઈ. બંનેને 14-14 મેચમાં જીત મળી. 20 મુકાબલા ડ્રો પણ રહ્યા. દિલ્હી ટેસ્ટ જીતનારી ટીમ આ રેકોર્ડમાં પણ પોતાને આગળ કરી લેશે. ઓવરઓલ બંનેએ 101 ટેસ્ટ રમી, જેમાં 24માં ભારત અને 30માં વેસ્ટ ઇન્ડીઝને જીત મળી. જ્યારે 47 મુકાબલા ડ્રો પણ રહ્યા.
અમદાવાદ ટેસ્ટમાં ટીમ ઇન્ડિયામાંથી ઝડપી બોલર મોહમ્મદ સિરાજે 7 વિકેટ લીધી હતી. સ્પિનર કુલદીપ યાદવ અને રવીન્દ્ર જાડેજાને 4-4 વિકેટ મળી હતી. જાડેજાએ બેટિંગમાં સદી પણ ફટકારી હતી. તેની સાથે ધ્રુવ જુરેલ અને કેએલ રાહુલે પણ સદી ફટકારીને ટીમને મોટા સ્કોર સુધી પહોંચાડી હતી. ટીમને હવે બાકીના પ્લેયર્સ પાસેથી પણ સારા પ્રદર્શનની આશા રહેશે.
મેચ પહેલાં ટીમ ઈન્ડિયાના બોલિંગ કોચ રાયન ટેન ડૉશેટે કહ્યું હતું કે મેનેજમેન્ટ નીતિશ રેડ્ડી અને સાઈ સુદર્શનને વધુ તક આપવા માગે છે. તેથી પ્લેઇંગ-11માં બદલાવ નહીં થાય. પીચ પર પેસર્સને મદદ નહીં મળે, તેમ છતાં પેસ બોલિંગ ઓલરાઉન્ડર રેડ્ડીને તક અપાશે.