હું સુખી લોકોની જિંદગી સરળ બનાવવા નહોતો ઈચ્છતો પણ જે લોકો પરેશાન છે તેમનાં દુઃખ જ દૂર કરવા ઈચ્છતો હતો.’ આ શબ્દો છે શ્રીરામ ગ્રૂપના સ્થાપક આર. ત્યાગરાજનના. તેમણે તેમની રૂ. છ હજાર કરોડની સંપૂર્ણ સંપત્તિ 44 કર્મચારીને સોંપી દીધી છે. હવે તેમની પાસે ફક્ત એક ઘર અને કાર છે. ત્યાગરાજને 1974માં શ્રીરામ ફાઈનાન્સનો પાયો નાંખ્યો હતો. હવે તે દેશની અગ્રણી એનબીએફસી કંપની છે. રૂ. 70,500 કરોડનું મૂલ્ય ધરાવતા આ ગ્રૂપમાં એક લાખ, આઠ હજાર કર્મચારી છે. લોકોમાં ‘આરટી’ના નામે પ્રખ્યાત ત્યાગરાજન 86 વર્ષના છે અને હવે તેઓ આ ગ્રૂપમાં સલાહકાર છે.
હાલના ગ્રાહકોના રેફરન્સ પર જ વિશ્વાસ રાખીશુંઃ આરટી
‘હું આ બિઝનેસમાં એ સાબિત કરવા આવ્યો હતો કે ક્રેડિટ હિસ્ટ્રી વિના કે ચોક્કસ આવક ધરાવતા લોકોને લોન આપવી એટલી જોખમી નથી, જેટલું તે માની લેવાયું છે. કોલકાતામાં ત્રણ વર્ષ રહ્યા પછી બે દસકા ન્યૂ ઈન્ડિયા એશ્યોરન્સમાં વિતાવ્યા. આ દરમિયાન લોકો જૂની ટ્રક ખરીદવા માટે મદદ માંગતા પણ બેન્કો ના પાડી દેતી. તેથી મેં મારા સ્તરે તેમને લોન આપી અને એ સાઈડ બિઝનેસ જ મારું મુખ્ય કામ થઈ ગયું. 37 વર્ષની ઉંમરે મેં મિત્રો સાથે શ્રીરામ ગ્રૂપની શરૂઆત કરી. એ વખતે ટ્રક ફાઈનાન્સમાં લોકો 80% સુધીના દરે પેમેન્ટ કરતા હતા કારણ કે બેન્ક તેમને લોન નહોતી આપતી. મેં તે પદ્ધતિ તોડવાનો નિર્ણય કર્યો અને નક્કી કર્યું કે અમે ક્રેડિટ સ્કોર નહીં જોઈએ. તેનું કારણ એ હતું કે મોટા ભાગના ગ્રાહકો એ ફાઈનાન્સ સિસ્ટમનો હિસ્સો નથી. તેથી અમે અમારા ગ્રાહકો દ્વારા અપાતા રેફરન્સ પર વિશ્વાસ કરતા. આ રીતે 30 મોટી કંપનીનું એક મોટું ગ્રૂપ સ્થપાઈ ગયું. સ્ટાફનો પગાર બજારની તુલનામાં ઓછો રાખ્યો.