Office Address

Vinayaka Plu Office No. 103, Bhupendra Road, Rajkot.

Phone Number

+91 83203 32706

Email Address

info@samkalin.in

 

નવસારીમાં રેલ્વે સ્ટેશન વિસ્તારમાં ‘તેરે જૈસા યાર કહા'.... ની ધૂન ઉપર બુટલેગરે મંચ પર હાજર પીએસઆઇ ઉપર ચલણી નોટોનો વરસાદ કરતા પોલીસ બેડામાં ખળભળાટ મચી ગયો છે. આ ઘટનામાં રેન્જ આઇજી લેવલથી તપાસ હાથ ધરાઇ હોવાની માહિતી સાંપડી છે. નવસારી રેલ્વે સ્ટેશન સ્થિત સાંઈ મંદિરના પટાંગણમાં લોકડાયરાનું આયોજન કરાયું હતું. જેમાં જાણીતા ગાયક કલાકાર અપેક્ષા પંડ્યા ઉપસ્થિત રહ્યાં હતા. આ પ્રસંગે નવસારીમાં ફરજ બચાવી ચૂકેલા પીએસઆઇ ગૌસ્વામી પણ આયોજકોના આમંત્રણને માન આપી ઉપસ્થિત રહ્યાં હતા.

દરમિયાન પોલીસ અધિકારી જ્યારે અન્ય લોકો સાથે સ્ટેજ ઉપર ઉપસ્થિત હતા ત્યારે ‘તેરે જૈસા યાર કહાં...'ની ધૂન વાગતા જ બુટલેગર દીપક ઉર્ફે કાલે બાબા સ્ટેજ ઉપર ચડીને અન્ય લોકોની સાથે ચલણી નોટોનો વરસાદ કરવા લાગ્યા હતા. તેમણે પીએસઆઇ ગૌસ્વામી પર ચલણી નોટોનો વરસાદ કરતા ત્યાં હાજર લોકો પણ અવાક થઇ ગયા હતા. પીએસઆઇ વર્દીમાં હોવા છતાં બુટલેગરે કોઈપણ જાતની શેહશરમ રાખ્યા વિના તેમના ઉપર નોટોનો વરસાદ કરતા બુટલેગર અને પોલીસની સાંઠગાંઠને લઈ સવાલો ઊભા થયા હતા.

જોકે પોલીસ અધિકારી હાલ સુરત જિલ્લામાં ફરજ બજાવતા હોવાનું બહાર આવતા નવસારી જિલ્લા પોલીસવડાએ પણ આ સમગ્ર ઘટનાનો રિપોર્ટ કર્યો હોવાની માહિતી મળી છે. પીએસઆઇ ગૌસ્વામી અગાઉ નવસારીમાં નોકરી કરી ચૂક્યા હોવાથી બુટલેગરો પણ તેમને ઓળખતા હોય તેવી ચર્ચાએ જોર પકડ્યું છે પરંતુ આ સમગ્ર ઘટનાક્રમમાં પીએસઆઇ ગૌસ્વામીએ પોતાના ઉપર ચલણી નોટોનો વરસાદ કરનારથી પોતે અજાણ હોવાનું જણાવ્યું હતું. તેઓ અન્યની માફક સ્ટેજ ઉપર ઉભા હતા અને તેમાના અચાનક જ કેટલા લોકોએ નોટોનો વરસાદ કર્યો હતો. આયોજકોએ આમંત્રણ આપતા હાજરી આપવા પહોંચ્યા હોવાનું તેમણે ઉમેર્યું હતું.