કેન્દ્ર સરકાર દ્વારા કલમ-370 નાબૂદ કરવાના મામલામાં સુનાવણી ચાલી રહી છે. સુપ્રીમકોર્ટે કલમ 370 નાબૂદ કરવા પર સવાલ ઉઠાવનાર લેક્ચરર પર શિક્ષણ વિભાગની કાર્યવાહીની નોંધ લીધી. સીજેઆઈ ડી.વાય. ચન્દ્રચૂડે જમ્મુ -કાશ્મીરના શિક્ષણ વિભાગમાંથી સસ્પેન્ડ કરાયેલા લેક્ચરર ઝહુર અહમદ ભટનો ઉલ્લેખ કર્યો હતો. સીજેઆઈ ચન્દ્રચૂડે સોલિસિટર જનરલ તુષાર મહેતાને લેફ્ટનન્ટ ગવર્નર મનોજ સિન્હા સાથે વાત કરવા અને ભટને પદ પરથી કેમ હટાવવામાં આવ્યા તે જાણવાનો નિર્દેશ આપ્યો હતો.
23 ઓગસ્ટે કોર્ટમાં દલીલ કરી, 25એ સસ્પેન્ડ
પોલિટિકલ સાયન્સના વરિષ્ઠ લેક્ચરર ઝહુર ભટે 23 ઓગસ્ટના રોજ બંધારણીય બેન્ચ સમક્ષ હાજર થયા અને કલમ 370 હટાવવા સામે દલીલ કરી. તેમણે કહ્યું હતું કે ઓગસ્ટ 2019થી જમ્મુ-કાશ્મીરમાં વિદ્યાર્થીઓને ભારતીય રાજકારણ શીખવવું મુશ્કેલ બની ગયું છે. વિદ્યાર્થીઓ પૂછે છે કે શું હજુ પણ દેશમાં લોકશાહી છે? બે દિવસ પછી 25 ઓગસ્ટે જમ્મુ-કાશ્મીર શિક્ષણ વિભાગે ભટને સસ્પેન્ડ કરી દીધા હતા.