અંકલેશ્વર શહેરના ગણેશ મંડળોના આયોજકોએ ગણપતિની પ્રતિમાઓને નર્મદા નદીમાં વિસર્જન કરવાની પરવાનગી માટે મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું. જેમાં કૃત્રિમ તળાવમાં વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવ્યા બાદ પ્રતિમાઓની દયનીય હાલતમાં રહેતા ધાર્મિક લાગણી દુભાય છે. જેથી નર્મદા નદીમાં વિસર્જન કરવા માટે તંત્ર દ્વારા મંજુરી અને વ્યવસ્થા કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.
ગણેશ ઉત્સવના આગમનને હવે ગણતરીના દિવસો બાકી રહ્યા છે, ત્યારે ગણેશ મંડળોના આયોજકો તડામાર તૈયારીઓ કરી રહ્યા છે. અંકલેશ્વર શહેરના વિવિધ વિસ્તાર અને સોસાયટીઓના ગણોત્સવ આયોજક મંડળો દ્વારા ભગવાન ગણપતિની સ્થાપના માટે વહીવટી તંત્ર અને પોલીસ તંત્ર પાસેથી તમામ મંજૂરી લેવામાં આવી રહી છે, જો કે તંત્ર દ્વારા નર્મદા નદીમાં ગણપતિની કોઈ પણ પ્રતિમા વિસર્જન કરવા મનાઈ ફરમાવી છે. જોકે વહીવટી તંત્રના દ્વારા કુત્રિમ કુંડમાં ગણેશ પ્રતિમાઓ વિસર્જન કરવાની ફરજ પાડવામાં આવે છે. ત્યારે અંકલેશ્વર શહેરના ગણેશ મંડળના આયોજકો દ્વારા વર્ષોની પરંપરા મુજબ નર્મદા નદીમાં શ્રીજીની પ્રતિમાનું વિસર્જન કરવા માટે આજરોજ મામલતદારને આવેદનપત્ર પાઠવ્યું હતું