રશિયામાં ઇઝેવસ્ક શહેરની એક શાળામાં સોમવારે એક બંદૂકધારીએ ગોળીબાર કર્યો હતો. ઘટનામાં 13 લોકોનાં મોત થયાં છે, જ્યારે 20 લોકો ઘાયલ થયા છે. મૃતકોમાં સાત વિદ્યાર્થી હતા. આ તમામની ઉંમર 11 વર્ષથી ઓછી બતાવવામાં આવી રહી છે. એ સિવાય બે શાળાના શિક્ષક અને બે સિક્યોરિટી ગાર્ડ પણ માર્યા ગયા છે.
મીડિયા રિપોર્ટ્સ અનુસાર, ઇઝેવસ્ક શહેર રશિયાની રાજધાની મોસ્કોથી 960 કિલોમીટર દૂર છે અને ઉદમુર્તિયા વિસ્તારનો ભાગ છે. આ વિસ્તારમાં ઇન્ડસ્ટ્રિયલ હબ તરીકે વધુ ઓળખાય છે. આ શહેરની વસતિ 6 લાખ 40 હજાર છે.
ઉદમુર્તિયાના ગવર્નર એલેકઝાન્ડર બ્રેચલોવના જણાવ્યા અનુસાર, આ ઘટના શાળા શરૂ થયા પછી બની હતી. એક અજાણી વ્યક્તિ બંદૂક લઈને શાળામાં ઘૂસી ગઈ હતી. માનવામાં આવી રહ્યું છે કે તે શાળાની દીવાલ પર ચઢીને અંદર ઘૂસ્યો હતો અને આ કારણે જ તે ગાર્ડ્સની નજરથી બચી ગયો હતો.