ચાલુ ટ્રેનમાં ચડતી વખતે અનેક વાર દુર્ઘટનાઓ બનતી રહે છે, ત્યારે આવી જ એક દુર્ઘટના બને તે પહેલા રેલવે પોલીસના ASI દ્વારા વૃદ્ધ દંપતીનો જીવ બચાવ્યો હતો. સુરત શહેરના રેલવે સ્ટેશન પર ચાલતી ટ્રેનમાં ચડતી વખતે દંપતી ફસડાઈ પડ્યું હતું. અચાનક જ આ ઘટના ઉપર રેલવે પોલીસના ASIની નજર ગઈ હતી અને તેમણે દોડીને દંપતીનો જીવ બચાવ્યો હતો. આ સમગ્ર ઘટના રેલ્વે સ્ટેશન પર લાગેલા CCTV કેમેરામાં કેદ થવા પામી હતી.
ગત રોજ સુરત રેલવે સ્ટેશન પર ઉધના વિસ્તારમાં રહેતા 61 વર્ષીય રામશ્રય શ્રીવાસ્તવ અને તેમના પત્ની શકુન્તલા દેવી પ્લેટફોર્મ નંબર 3 પર પહોંચ્યા હતા. જોકે, કઈ ટ્રેનમાં જવાનું છે તે જાણ ન હતી. જેથી જયપુર પુણે એકસપ્રેસ ટ્રેનમાં ચડવાનો પ્રયાસ કર્યો હતો. આ દરમિયાન દંપતીનો પગ લપસી જાય છે અને તેઓ ટ્રેન તેમજ પ્લેટફોર્મ વચ્ચે ફસાઈ જાય છે. ત્યારે દેવદૂત બનીને રેલવે પોલીસના એએસઆઇ ઈસરાર બેગ ત્યાં પહોંચે છે.