અમેરિકાના રિટેલ સેલ્સના સકારાત્મક આંકડાઓ અને ફેડ રિઝર્વ પોતાની માર્ચ બેઠકમાં વ્યાજના દરો જાળવી રાખે તેવી શક્યતાઓ વચ્ચે ચીનમાં પણ રિટેલ વેચાણ વધતા પરિણામે વૈશ્વિક સ્તરે ઈકોનોમી પોઝિટિવ રહેવાના સંકેતે વૈશ્વિક શેરબજારોમાં તેજી સાથે આજે સપ્તાહના બીજા દિવસે સેન્સેક્સ અને નિફ્ટીમાં આકર્ષક ઉછાળો જોવા મળ્યો હતો. બીજી તરફ સ્થાનિક સ્તરે પણ સકારાત્મક પરિબળો અને ટેક્નિકલી મોટા કરેક્શન બાદ એફઆઈઆઈની વેચવાલી સામે ડીઆઈઆઈ સતત ખરીદીએ આજે ભારતીય શેરબજાર ઉછાળા સાથે બંધ રહ્યું હતું.
અમેરિકાની ઈકોનોમી મજબૂત હોવાના સંકેતો, ટેરિફ મુદ્દે સમાધાનની ચર્ચાઓ તેમજ એશિયન બજારોમાં પણ મોટા કરેક્શન બાદ ઉછાળાની અસર ભારતીય શેરબજાર પર જોવા મળી હતી અને સેન્સેકસ અંદાજીત 13 દિવસ બાદ ફરી 75000 પોઈન્ટનું અને નિફ્ટી ફ્યુચર 22800 પોઈન્ટનું લેવલ ક્રોસ કરવામાં સફળ રહ્યા હતા.
કરન્સી માર્કેટની વાત કરીએ તો, કેનેડા અને અમેરિકા વચ્ચે ટ્રેડવોરના પગલે કેનેડા હવે બ્રિટન તથા ફ્રાંસની નજીક આવી રહ્યાના સંકેતોએ આજે ડોલર ઈન્ડેક્સમાં ઘટાડો નોંધાતા રૂપિયાના મૂલ્યમાં ઉછાળો જોવા મળ્યો હતો, જયારે અમેરિકા દ્વારા હાઉથી પર હુમલો કર્યાના અહેવાલે રેડસી વિસ્તારમાં તંગદીલી વધતાં ક્રૂડઓઈલના ભાવોમાં પણ નીચા મથાળેથી ઉછાળો જોવા મળ્યો હતો.
બીએસઇ પર મીડકેપ ઈન્ડેક્સ 2.10% અને સ્મોલકેપ ઈન્ડેક્સ 2.73% વધીને બંધ રહ્યા હતા. વિવિધ સેક્ટરલ ઈન્ડાયસીસની વાત કરીએ તો બીએસઈ પર રિયલ્ટી, ઇન્ડસ્ટ્રીયલ, કંઝ્યુમર ડિસ્ક્રીશનરી, કંઝ્યુમર ડ્યુરેબલ્સ, ઓટો, કેપિટલ ગુડ્સ, પાવર અને ફાઈનાન્શિયલ સર્વિસીસ શેરોમાં ભારે લેવાલી જોવા મળી હતી, જ્યારે અન્ય બીજા તમામ સેક્ટરલ ઈન્ડાયસીસ પણ ઉછાળા સાથે બંધ રહ્યા હતા.