દેશના મુખ્ય ચૂંટણી કમિશનર (CEC)ની ચૂંટણી કેન્દ્ર સરકાર હવે એકલી નહીં કરે. સુપ્રીમકોર્ટે ગુરુવારે એક આદેશમાં જણાવ્યું કે એક મહત્ત્વપૂર્ણ પદ પર નિયુક્તિનો નિર્ણય કરવા માટે એક પેનલની રચના જરૂરી છે. પેનલમાં વડાપ્રધાન, લોકસભામાં વિપક્ષ નેતા (એલઓપી) અને સુપ્રીમકોર્ટના ચીફ જસ્ટિસ સામેલ થશે.
આ જ પેનલ ચૂંટણી કમિશનરો (ઇસી)ની પણ પસંદગી કરશે. પરંતુ, અંતિમ નિર્ણય રાષ્ટ્રપતિનો હશે. સુપ્રીમકોર્ટમાં સીઇસી તેમજ ઇસીની નિયુક્તિ માટે કોલેજિયમ જેવી વ્યવસ્થા કરવાની માગને લઇને એક અરજી દાખલ થઇ હતી. તેના પર જસ્ટિસ કે.એમ. જોસેફની અધ્યક્ષતા હેઠળની 5 સભ્યોની બંધારણીય બેન્ચે આ ચુકાદો આપ્યો છે.
બેન્ચમાં જસ્ટિસ અજય રસ્તોગી, જસ્ટિસ અનિરુદ્ધ બોઝ, જસ્ટિસ ઋષિકેશ રૉય અને જસ્ટિસ સી.ટી. રવિકુમાર સામેલ હતા. બેન્ચે આ ચુકાદો 5-0ની સર્વસંમતિથી સંભળાવ્યો હતો. સાથે જ સરકારને કહ્યું છે કે આ નિયુક્તિ પ્રક્રિયા ત્યાં સુધી લાગુ રહેશે જ્યાં સુધી સંસદ કાયદો ના બનાવે. કોર્ટે કેન્દ્રને કહ્યું કે તેઓ એક કન્સોલિડેટેડ ફંડથી કેન્દ્રીય ચૂંટણીપંચના ફન્ડિંગ અને અલગ સચિવાલય બનાવવા માટે જરૂર પગલાં લે.