ગાઝાની એક હોસ્પિટલની આ તસવીર એક દીકરીની છે જેમાં તે એક ઓશિકા સાથે જોવા મળે છે. છોકરી આ ઓશિકું છોડવા માંગતી નથી, તેનું કહેવું છે કે બુધવારે રાત્રે તેના પિતા આ ઓશિકા સાથે સૂઈ રહ્યા હતા. જે તે રાત્રે ઇઝરાયલના હવાઈ હુમલામાં માર્યા ગયા હતા ત્યારથી તે તેના પિતાની આ અંતિમ યાદને ગળે લગાવીને રડી રહી છે. છોકરીના પરિવાર સહિત ઘણા લોકોને ગાઝા શહેરની અલ-અહલી હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા.
આશ્રય લઈ રહેલા પેલેસ્ટાઈનના લોકોએ વિચાર્યું કે હોસ્પિટલના કારણે તેઓ ત્યાં સુરક્ષિત રહેશે. પરંતુ લોકોની આ આશા મોંઘી સાબિત થઈ અને હવાઈ હુમલામાં 500થી વધુ લોકો માર્યા ગયા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે. અલ અલહી હોસ્પિટલના પ્લાસ્ટિક સર્જન ગાસન અબુ સિતાનું કહેવું છે કે તેમણે જોરદાર વિસ્ફોટ સાંભળ્યો અને હોસ્પિટલના ઓપરેશન થિયેટરની છત નીચે પડી ગઈ. કંઈ સમજાય તે પહેલાં જ ઘણા ઇજાગ્રસ્ત હાલતમાં આવી રહ્યા હતા.