અમદાવાદમાં દોઢેક વર્ષ પહેલાં એક મહિલાએ તેના પ્રેમી સાથે મળી પતિની હત્યા કરવા કોફીમાં ઊંઘની ગોળીઓ પીવડાવી હતી. પતિને બેભાન કરી મહિલાએ પ્રેમી સાથે મળી રસ્સીથી ગળું દબાવી દીધું હતું. પતિનું મોત થતાં તેના મૃતદેહને સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશન તરફની અવાવરૂ જગ્યાએ નદીના કિનારે નાખી દીધો હતો. ત્યાર બાદ પતિ ગુમ થઈ ગયો હોવાની ખોટી અફવા ફેલાવી હતી. આ ઘટનાનો ગુનો નોંધાયો જ નહોતો, પરંતુ પતિની હત્યાની તપાસ થતાં એમાં સંડોવાયેલાં પ્રેમી તથા પ્રેમિકાને ક્રાઈમ બ્રાંચે ઝડપી લીધાં હતાં.
ગળું દબાવીને હત્યા કરી નાખી હતી
પ્રાપ્ત વિગતો પ્રમાણે, અમદાવાદ શહેર ક્રાઈમ બ્રાંચની ટીમ વણઉકેલાયેલા ગુનાની શોધમાં હતી. આ દરમિયાન ખાનગી બાતમી મળતાં ક્રાઈમ બ્રાંચની ટીમ સક્રિય થઈ ગઈ હતી, જેમાં અહેમદ મુરાદ અને તેની પ્રેમિકા સાફિયાખાતુને તેના પતિ મહેરબાનખાનને કોફીમાં ઊંઘની ગોળીઓ પીવડાવીને બેભાન કરીને તેનું ગળું દબાવીને હત્યા કરી નાખી હતી. હત્યા કર્યા બાદ સાબરમતી નદી કિનારે મૃતદેહનો નિકાલ કરી દીધો હતો.
આ બાતમીને આધારે ક્રાઈમ બ્રાંચે બંને પ્રેમીઓને ઝડપ્યા હતા અને પૂછપરછ હાથ ધરી હતી. આ દરમિયાન બંનેએ ગુનો કબૂલી લીધો હતો. બંને આરોપીઓએ પોલીસને પૂછપરછમાં જણાવ્યું હતું કે આજથી આશરે પોણાબે વર્ષ પહેલા બંને વચ્ચે પ્રેમસંબંધ બંધાયેલો, જે સંબંધમાં સાફિયાખાતુનના પતિ મહેરબાનખાન નડતરરૂપ હોઈ, બંને વચ્ચે ઝઘડા થતા હતા, જેથી બંને પ્રેમીઓએ સાથે રહેવા દોઢેક વર્ષ પહેલાં ઊંઘની ગોળીઓ મેડિકલ સ્ટોર પરથી ખરીદી રાત્રિના સમયે કોફીમાં નાખીને મહેરબાનખાનને પીવડાવી બેભાન કરી દીધો હતો.
સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશને ગુનો નોંધ્યો
ત્યાર બાદ પ્રેમી-પ્રેમિકાએ મોડી રાત્રે રસ્સી વડે મહેરબાનખાનનું ગળું દબાવી હત્યા કરી હતી. મૃતદેહનો નિકાલ કરવા બંનેએ આશરે સવારના સાડાચાર વાગ્યે વાસણા બેરેજ તરફ જતા કાચા રોડવાળા રસ્તે જઈ નદીના કિનારે મૃતદેહને ફેંકી દીધો હતો. બાદમાં મૃતદેહની ઉપર તાડના ઝાડના મોટાં પાંદડા ઢાંકી દીધા હતા. ત્યાર બાદ પોલીસને તપાસમાં મૃતક પતિનો કોહવાઈ ગયેલી હાલતમાં મૃતદેહ મળ્યો હતો. હાલ તો સમગ્ર મામલે આરોપી પ્રેમી-પ્રેમિકા વિરુદ્ધ સાબરમતી ઈસ્ટ રિવરફ્રન્ટ પોલીસ સ્ટેશને ગુનો દાખલ કરી કાયદેસરની કાર્યવાહી કરવામાં આવી રહી છે.