સૌરાષ્ટ્ર યુનિવર્સિટી છેલ્લા કેટલાક સમયથી રાજકીય અખાડો બની ગઇ હોય તેવા કિસ્સાઓ સામે આવી રહ્યાં છે. યુનિવર્સિટીમાં વિદ્યાર્થીના વિકાસને બદલે રાજકારણ સતત કેન્દ્રમાં રહ્યુ છે. આંતરિક રાજકારણમાં વ્યસ્ત રહેતા સત્તાધીશો વિદ્યાર્થીઓના અમૂલ્ય ભવિષ્ય સાથે ગંભીર ચેડાં કરી રહ્યાનુ પ્રતિત થઈ રહ્યુ છે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીમાં રાજકીય કાવાદાવાઓ અને કુલપતિ બદલાતા PhDની પ્રવેશ પરીક્ષા નિયત સમયથી બે માસ મોડું થઈ ગયું હોવા છતા યોજવામાં આવી નથી. યુનિવર્સિટીમાં પી.એચ.ડી.ના વિદ્યાર્થીઓની પ્રવેશ પરીક્ષા ડિસેમ્બરના ત્રીજા સપ્તાહમાં યોજવાનું કુલપતિએ જાહેર કર્યુ છે
પીએચ.ડી.ના વિદ્યાર્થીઓને રાજ્ય સરકારની SHODH (સ્કીમ ઓફ ડેવલોપિંગ હાઈ ક્વોલિટી રિસર્ચ)ની ફેલોશિપ માટેની છેલ્લી તારીખ 31 ડિસેમ્બર છે. KCG (નોલેજ કન્સોર્ટિયમ ઓફ ગુજરાત) દ્વારા મળતી આ ફેલોશિપમાં એપ્લાય થવા માટેની તારીખ વધારવામાં નહીં આવે તો વિદ્યાર્થીઓ શિષ્યવૃત્તિથી વંચિત રહી જશે.
સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કુલપતિ ડો. નીલાંબરી દવેએ જણાવ્યુ હતું કે, સામાન્ય રીતે પી.એચ.ડી.ની પ્રવેશ પરીક્ષા ઓગષ્ટ મહિનાના છેલ્લા અઠવાડિયામાં લેવાય છે. આ વખતે ઓગષ્ટ માસમાં જે કુલપતિ હતા, તે બદલી ઓકટોબરના અંતમાં મને કુલપતિનો ચાર્જ સોંપાયો છે. જે બાદ પી.એચ.ડી.માં વિષય વાઇઝ ખાલી જગ્યા બહાર પાડી હતી. જેમાં 36 વિષયમાં 451 જગ્યા ખાલી બતાવાઈ, જે અત્યાર સુધીની સૌથી વધુ ખાલી જગ્યા છે. જે બાદ દિવાળી વેકેશન હોવાથી પરીક્ષાની તારીખ જાહેર ન થઈ શકી. હાલ પરીક્ષા લેતી એજન્સીઓ સાથે વાતચીત ચાલુ છે. જે પછી પેપર સેટ થાય તે પ્રમાણે પી.એચ.ડી. પ્રવેશ પરીક્ષાની તારીખ જાહેર કરવામાં આવશે. જે પરીક્ષા ડિસેમ્બરના ત્રીજા અઠવાડિયામાં યોજવામાં આવશે.