કોસંબા સ્ટેશન ખાતે સવારે બિકાનેરથી મુંબઇ જતી હોલીડે એક્સપ્રેસ ટ્રેનના એન્જિનનું વ્હીલ લોક થઇ ગયું હતું. જેને પગલે 6 ટ્રેનોના 10 હજાર મુસાફરો અટવાયા હતા. 4 કલાક બાદ રેલ વ્યવહાર પૂર્વવત થયો હતો. કોસંબા પાસે સવારે 10-42 વાગે બિકાનેર-મુંબઇ હોલીડે ટ્રેનના એન્જિનનું વ્હીલ લોક થઇ જતાં વડોદરા અને સુરત સ્ટેશન વચ્ચે અપ લાઈનનો રેલ વ્યવહાર ખોરવાઈ ગયો હતો. ઘટનાની જાણ થતાં વડોદરા-સુરત રેલવે તરફથી ઇમરજન્સી રિસ્પોન્સ ટ્રેન દોડાવાઈ હતી. જોકે સુરત-ઉધનાની ટ્રેન વહેલાં પહોંચી ગઇ હતી.
ઘટનાની જાણ થતાં રેલવેના એન્જિનિયરો અને ટેક્નિશિયનો કોસંબા સ્ટેશને ધસી ગયા હતા. રેલવે તંત્ર દ્વારા એન્જિનના વ્હીલનું લોક ખોલવા પ્રયાસ કરાયો હતો, પણ સફળતા ન મળતાં સુરતથી અન્ય એન્જિન મગાવી ટ્રેનને મુંબઇ રવાના કરાઈ હતી. જોકે ટ્રેન 4 કલાક મોડી પડી હતી. ઘટનાને પગલે વડોદરાથી સુરત તરફ જતી ટ્રેનોને જે તે સ્ટેશને રોકવાની ફરજ પડી હતી. જેને કારણે વિવિધ ટ્રેનો 50 મિનિટથી લઇ 1.30 કલાક સુધી મોડી પડતાં 10 હજારથી વધુ મુસાફરો અટવાઇ ગયા હતા.