રાજકોટ શહેરની ભાગોળે વાગુદળમાં રાજકોટ મહાનગરપાલિકાના બગીચા પાછળ જ જંગલમાં દીપડાએ દેખા દીધી છે.
વાગુદળમાં છેલ્લા એક સપ્તાહથી દીપડાના સગડ મળી રહ્યા છે પણ હવે ધોળા દિવસે મારણ કરતા વન વિભાગ પણ દોડી આવ્યો હતો. જો કે રિસોર્ટ પાસે આવેલા ખેતરમાં બુધવારે બપોરના 12 વાગ્યાની આસપાસ ખેતરમાં બનાવેલા તબેલામાં ગોવાળ ગાયોને ચારો નાખી રહ્યો હતો તે દરમિયાન બાજુમાં ઘાસના વાવેતરમાં દીપડો દેખાયો હતો. એક ભૂંડના બચ્ચાંને દબોચવાનો પ્રયાસ કર્યો હતો અને શિકાર કરીને દીપડાએ ઘૂરકિયા પણ કર્યા હતા. ગોવાળ ગીર સોમનાથ વિસ્તારનો હોવાથી દીપડાની પ્રકૃતિથી પરિચિત હતો એટલે તે તુરંત જ પોતાના પરિવારને લઈને બાજુની ટેકરી પર દોડી ગયો હતો. ત્યાંથી તેણે તુરંત જ ગામના સરપંચને કરતા તેમણે વન વિભાગને જાણ કરી હતી. જેના પગલે તપાસ કરવા આરએફઓ હંસાબેન મોકરિયા તેમજ ડીસીએફ તુષાર પટેલે સૂચના આપી છે. જેથી ટ્રેકર, ફોરેસ્ટર તેમજ આરએફઓ સહિતનાઓ ઘટનાસ્થળ પર દોડી ગયા હતા.