વર્ષ 2024 દરમિયાન ભૌગોલિક રાજકીય તણાવ તેમજ ઉચ્ચ વ્યાજદરો વચ્ચે દેશમાં મજબૂત મેક્રોઇકોનોમિક આંકડાઓ, સારા ઔદ્યોગિક આંકડાઓ ઉપરાંત આકર્ષક પીએલઆઇ સ્કીમ વધુ વિદેશી રોકાણકારોને આકર્ષિત કરશે જેને કારણે વિદેશી રોકાણમાં પણ મજબૂત મોમેન્ટમ જોવા મળશે. ભારત રોકાણકારો માટે આકર્ષક અને શ્રેષ્ઠ હબ બની રહે તે સુનિશ્ચિત કરવા માટે ડીપાર્ટમેન્ટ ફોર પ્રમોશન ઑફ ઇન્ડસ્ટ્રી એન્ડ ઇન્ટરનલ ટ્રેડના સેક્રેટરી રાજેશ કુમાર સિંઘે જણાવ્યું હતું કે સરકાર એફડીઆઇ પોલિસીની સમીક્ષા કરી રહી છે અને શેરધારકો સાથે નિયમિતપણે ચર્ચા વિચારણા બાદ તેમાં ફેરફાર પણ કરે છે.
જાન્યુઆરી-સપ્ટેમ્બર દરમિયાન, દેશમાં FDI 22 ટકા ઘટીને $48.98 અબજ નોંધાયું હતું. ગત વર્ષના સમાન સમયગાળા દરમિયાન $62.66 અબજનું વિદેશી રોકાણ જોવા મળ્યું હતું. જો કે આપણે એફડીઆઇ ગ્રોથના ટ્રેન્ડમાં છીએ. વર્ષ 2014-2023ના સમયગાળા દરમિયાન કુલ વિદેશી રોકાણ $596 અબજ હતું, જે 05-14 દરમિયાન થયેલા રોકાણ કરતાં બમણું હતું. ટ્રેન્ડ પોઝિટિવ છે જેને જોતા વિદેશી રોકાણકારો માટે ભારત હજુ પણ પસંદગીનું સ્થળ બની રહેશે.