રાજકોટ શહેરમાં છેલ્લા 10 દિવસથી દીપડાના આંટાફેરા થઈ રહ્યા છે આ કારણે હવે આસપાસના લોકોમાં ભયનો માહોલ ફેલાયો છે. સૌથી પહેલા વાગુદળ ત્યારબાદ સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના કેમ્પસ તેમજ કણકોટ પાસે દીપડો દેખાતા વન વિભાગ દોડતું થયું છે. છેલ્લું લોકેશન કણકોટ આવતા ત્યાં પાંજરા મુકાયા છે.
વન વિભાગના સૂત્રોના જણાવ્યા અનુસાર હાલ કણકોટમાં બે પાંજરા મુકવામાં આવ્યા છે અને ચોક્કસ લોકેશન મળે તો ત્રીજું પાંજરું પણ કણકોટમાં મુકવામાં આવશે. સૌથી મોટી સમસ્યા એ છે કે વાગુદળ પાસે જે ફૂટમાર્ક મળ્યા તેના સિવાય દીપડાના ચોક્કસ સગડ ક્યાંયથી મળતા નથી. લોકોએ જોયો છે તેવું કહે છે પણ ત્યાં સ્થળ પર ક્યાંય સગડ મળતા નથી આ કારણે દીપડો કઈ તરફ ગયો છે તે જાણી શકાયું છે. આ કારણે પાંજરા મુકવામાં પણ સમસ્યા આવી રહી છે. આસપાસના લોકોને મળીને વન વિભાગે જાગૃતિ અપાવવાની સાથે સાથે દીપડાને લઈને શું સાવચેતી રાખવી પડે તેનું પણ માર્ગદર્શન આપવામાં આવ્યું છે તેવું ડીસીએફ તુષાર પટેલે કહ્યું છે.