ઈસરોના પૂર્વ વિજ્ઞાની નમ્બી નારાયણનને 1994ના જાસૂસી કેસમાં ફસાવવાના કેસમાં સુપ્રીમકોર્ટે ગુજરાતના પૂર્વ ડીજીપી શ્રીકુમાર સહિત ત્રણને ફટકાર લગાવી છે. સુપ્રીમકોર્ટના જસ્ટિસ એમ.આર. શાહ અને સી.ટી. રવિકુમારની બેન્ચે શુક્રવારે આગોતરા જામીન આપવાનો કેરળ હાઈકોર્ટનો આદેશ રદ કરી દીધો છે.
આ સાથે બેન્ચે આ કેસ હાઈકોર્ટને નવેસરથી વિચારીને એક મહિનામાં ચુકાદો આપવાનો નિર્દેશ આપ્યો છે.સીબીઆઈની અરજીની સુનાવણી કરતા બેન્ચે કહ્યું કે આ તમામ મામલા હાઈકોર્ટને પાછા મોકલી રહ્યા છીએ, જેથી તેઓ ગુણ-દોષના આધારે નિર્ણય લઈ શકે. હાઈકોર્ટે વ્યક્તિગત આરોપો પર ધ્યાન નહીં આપીને આગોતરા જામીન આપવામાં પણ ભૂલ કરી છે.
આખો કેસ ઊભો કર્યો હતોઃ સીબીઆઈએ 79 વર્ષીય પૂર્વ વિજ્ઞાની ડૉ. નમ્બી નારાયણનને ક્લિનચીટ આપી હતી. વિજ્ઞાનીએ કહ્યું હતું કે કેરળ પોલીસે આ આખો કેસ ઊભો કર્યો હતો. 1994ના કેસમાં જે ટેક્નિકથી ચોરી કરીને તે વેચવાનો આરોપ લગાવાયો છે તે એ વખતે અસ્તિત્વમાં જ ન હતી.
1994માં ઈસરો જાસૂસીનો આરોપ
ગુજરાતના પૂર્વ ડીજીપી આર.બી. શ્રીકુમાર, કેરળના બે પૂર્વ પોલીસ અધિકારી એસ. વિજયન અને ટી.એસ. દુર્ગા દત્ત તેમજ નિવૃત્ત ગુપ્તચર તંત્ર અધિકારી પી.એસ. જયપ્રકાશે 1994માં ઈસરોના તત્કાલીન વિજ્ઞાની નમ્બી નારાયણનની જાસૂસી કેસમાં ધરપકડ કરી હતી. જોકે, સુપ્રીમકોર્ટે 2018માં આ ધરપકડ ગેરકાયદે ઠેરવી અને વિજ્ઞાનીને રૂ. 50 લાખનું વળતર આપવાનો આદેશ કર્યો હતો.