નવા કાયદાના વિરોધમાં મગદલ્લા બંદર પાસે ટ્રક ડ્રાઇવરોએ પોલીસ પર હુમલો કરતા ડુમસ પોલીસે રાયોટીંગના ગુનામાં સીસીટીવી કેમેરાના આધારે 23 ટ્રકચાલકોની ધરપકડ કરી છે. ટોેળાએ રસ્તા વચ્ચે બેરિકેડ મુકતા પોલીસકર્મી સુરેશ રાઠવાએ સમજાવવા કોશિશ કરી પરંતુ આવેશમાં આવી તેના પર હુમલો કરી દીધો હતો. જેમાં ઈજા થઈ છે. ડ્રાઇવર પ્રદીપ મહેન્દ્ર યાદવ, સરજુ બહાદુર ચૌહાણ, મનોજ રાજેન્દ્ર શાહુ સહિત 40ના ટોળા સામે રાયોટીંગનો ગુનો દાખલ કર્યો હતો.
હું સવારે 9.30 વાગ્યા આસપાસ PCRમાં પેટોલિંગમાં ગવિયરથી મગદલ્લા તરફ જઈ રહ્યો હતો. તે સમયે મગદલ્લા બંદર પાસે રસ્તામાં 40થી 50 ટોળું એક જણાને મારવાની તૈયારી કરતું હતું. તેવામાં હું પહોંચી ગયો હતો. પરંતુ ટોળાએ બેરીકેડ્સ મુકી આખો રસ્તો બ્લોક કરી દીધો હતો. રસ્તો ખોલવા કહેતા કહ્યું કે, રસ્તા નહીં ખોલેંગે કિસી કો જાને નહી દેંગે, હુ ભાગ્યો પરંતુ કારમાંથી કાઢી મને માર મારી હુમલો કર્યો હતો.40થી 50 જણાનું ટોળું દેખાતું હતું.
સોશ્યિલ મીડિયામાં વીડિયો સામે આવ્યો જેમાં પોલીસકર્મીને ટ્રક ડ્રાઇવરો દોડાવી દોડાવીને માર મારી રહ્યા છે, જીવ બચાવવા પોલીસકર્મી કારમાં બેસી જાય છતાં ટોળાએ તેને માર મારી બહાર કાઢી પાછો હુમલો કરતા નજરે પડે છે. ટોળાનો ઈરાદો ગંભીર ઈજાનો છતાં પોલીસે આ ગુનામાં આઈપીસી 333 લગાવી ન હતી.