ઈરાનના કેમરન શહેરમાં બુધવારે થયેલા બે વિસ્ફોટમાં 103 લોકોનાં મોત થયાં હતાં, 171 ઘાયલ થયા છે. બીબીસીએ ઈરાનના સરકારી મીડિયાને ટાંકીને આ સમાચાર આપ્યા છે. આ વિસ્ફોટ દેશના ભૂતપૂર્વ જનરલ (ઈરાનની સેના, જેને રિવોલ્યુશનરી ગાર્ડ્સ કહે છે) કાસિમ સુલેમાનીના મકબરા પર થયા હતા. પોલીસે કહ્યું- આ આતંકવાદી હુમલો હતો, એની તપાસ ચાલુ છે.
બુધવારે કાસિમ સુલેમાનીના મૃત્યુની ચોથી વર્ષગાંઠ હતી. 2020માં યુએસ અને ઇઝરાયલ દ્વારા બગદાદમાં મિસાઇલ હુમલામાં સુલેમાની માર્યા ગયા હતા.
3 જાન્યુઆરી, 2020ના રોજ સુલેમાનીએ સિરિયાની મુલાકાત લીધી. ત્યાંથી તેઓ ચૂપચાપ ઈરાકની રાજધાની બગદાદ પહોંચી ગયા. અમેરિકન ગુપ્તચર એજન્સીઓને આ માહિતી મળી હતી.
તેમના સમર્થક શિયા સંગઠનના અધિકારીઓ તેમને લેવા માટે પ્લેનની નજીક પહોંચ્યા હતા. એક કારમાં જનરલ કાસિમ અને બીજી કારમાં શિયા આર્મી ચીફ મુહંદિસ હતા. એરપોર્ટની બહાર તેમની કાર આવતાંની સાથે જ અમેરિકન MQ-9 ડ્રોને રાતના અંધારામાં તેમના પર મિસાઈલ છોડી હતી.
એવું કહેવાય છે કે તત્કાલીન અમેરિકી રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પના આદેશ પર CIAએ આ મિશન પાર પાડ્યું હતું. 2019માં અમેરિકી રાષ્ટ્રપતિ ટ્રમ્પે ઈરાનને પરમાણુ સંધિ તોડવા પર તેમને વિનાશની ધમકી આપી હતી, ત્યારે જનરલ કાસિમે કહ્યું હતું - ટ્રમ્પે યુદ્ધ શરૂ કર્યું છે, અમે એને સમાપ્ત કરીશું. ઈરાનનો દાવો છે કે ઈઝરાયલની ગુપ્તચર સંસ્થા મોસાદે સુલેમાનીની મુલાકાત અંગે અમેરિકાને નક્કર માહિતી આપી હતી.