ઉપલાકાંઠા વિસ્તારમાં રહેતા યુવકને સસ્તામાં સોનું આપવાની લાલચ આપી રૂ.6 લાખની છેતરપિંડી કરનાર પોલીસના ડ્રાઇવર વિભાગમાં આઉટ સોર્સિંગથી નોકરી કરતા બે અને બે સૂત્રધાર સહિત છ આરોપીઓને મુદ્દામાલ સાથે ઝડપી લીધા છે. માત્ર 10 હજાર રૂપિયા માટે પોલીસ જીપનો ઉપયોગ થયાનો પણ ખુલાસો થયો છે.
માર્કેટ યાર્ડ પાછળ મનસાનગરમાં રહેતા અને મહિલા કોલેજ નજીક ચાની હોટલ ધરાવતા મૈયાભાઇ ઉર્ફે લખો દેવાભાઇ ગમારા નામના યુવાને નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, સસ્તામાં સોનું આપવાની લાલચે પોતાની સાથે રૂ.6 લાખની છેતરપિંડી થઈ છે અને આ ઘટનામાં પોલીસ જીપનો ઉપયોગ થયો છે.
પોલીસે ફરિયાદ બાદ ચાના ધંધાર્થી સાથે છેતરપિંડી કરનાર સૂત્રધાર મુનાફ ઉર્ફે મુન્નો અકબર ઉમરેટિયા અને આસીફ ઉર્ફે સુલતાન મજિદ ધાનાણીને ઝડપી લીધા હતા. બંનેની પૂછપરછ બાદ ફિરોઝ ઇબ્રાહીમ બેલીમ, તેનો જમાઇ દીપક સવજી રોજાસરા તેમજ પોલીસની જીપ લઇને ત્યાંથી નીકળેલા મનીષ રમેશ ત્રિવેદી અને અશોકસિંહ જાડેજાને પણ સકંજામાં લીધા હતા. આ કામ માટે મનીષ અને અશોકસિંહને રૂ.10-10 હજાર મળવાના હતા. આ ઉપરાંત દીપક અને તેના સસરા ફિરોઝને પણ 10-10 હજાર મળવાના હોવાની પોલીસને કબૂલાત આપી છે.