વર્ષ 2024માં મજબૂત સ્થાનિક માંગ અને મેન્યુફેક્ચરિંગ તેમજ સર્વિસ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિને કારણે ભારત 6.2%નો આર્થિક વૃદ્ધિદર નોંધાવે તેવી શક્યતા સંયુક્ત રાષ્ટ્રે વ્યક્ત કરી છે. યુએન વર્લ્ડ ઇકોનોમિક સિચ્યુએશન એન્ડ પ્રોસ્પેક્ટ્સ (WESP) 2024 રિપોર્ટ અનુસાર, દક્ષિણ એશિયાની જીડીપી 2024માં 5.2%ના દરે વધશે. જેમાં ભારતમાં મજબૂત વિસ્તરણનો મહત્વપૂર્ણ ફાળો રહેશે. ભારત અત્યારે વિશ્વમાં સૌથી ઝડપથી વિકસતું અર્થતંત્ર છે.
દેશના મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટરમાં મજબૂત વૃદ્ધિ અને માંગને કારણે ભારતનો આર્થિક વૃદ્ધિદર 2024માં 6.2% રહી શકે છે, જે 2023 દરમિયાન 6.3% રહ્યો હતો. વર્ષ 2025માં દેશની જીડીપી 6.6%ના દરે વૃદ્ધિ પામશે. રિપોર્ટ અનુસાર આ વર્ષે સ્થિતિસ્થાપક ખાનગી વપરાશ અને મજબૂત જાહેર રોકાણને પગલે દેશનો આર્થિક વૃદ્ધિદર 6.2% સાથે મજબૂત રહેશે.
મેન્યુફેક્ચરિંગ અને સર્વિસ સેક્ટર્સથી અર્થતંત્રને ટેકો મળતો રહેશે ત્યારે અનિયમિત ચોમાસાની પેટર્નને કારણે કૃષિ ઉત્પાદન પર વિપરિત અસર પડી શકે છે. ઇકોનોમિક એનાલિસિસ એન્ડ પોલિસી ડિવિઝન (UN DESA)ના ચીફ હામિદ રાશિદે કહ્યું હતું કે છેલ્લા કેટલાક વર્ષમાં ભારતીય અર્થતંત્ર તેમના હરીફોને પણ મ્હાત આપવામાં સફળ રહ્યું છે. દેશનો આર્થિક વૃદ્ધિદર સતત 6%થી ઉપર રહ્યો છે અને વર્ષ 2024 અને 2025માં પણ આ ટ્રેન્ડ યથાવત્ રહે તેવી અપેક્ષા છે. ભારતમાં ફુગાવો વધુ રહ્યો હોવા છતાં દરોમાં એટલો વધારો કરવામાં આવ્યો ન હતો અને ફુગાવામાં પણ ઘટાડો થયો છે.