વિયેતનામની ઇલેક્ટ્રિક વાહન (EV) મેન્યુફેક્ચરિંગ કંપની Vinfastએ શનિવારે (6 જાન્યુઆરી, 2024) ભારતમાં તેનો પ્રથમ મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટ સ્થાપવા માટે એક કરાર પર હસ્તાક્ષર કર્યા છે. આ કંપની વિશ્વના ત્રીજા સૌથી મોટા વાહન બજાર ભારતમાં પ્રવેશવા માંગે છે.
સંયુક્ત નિવેદન અનુસાર, વિનફાસ્ટ અને દક્ષિણી રાજ્ય તમિલનાડુએ પ્રથમ પાંચ વર્ષ માટે $500 મિલિયન એટલે કે લગભગ રૂ. 4,160 કરોડની કમિટમેન્ટ સાથે $2 બિલિયન (રૂ. 16,638 કરોડ) સુધીના રોકાણ તરફ કામ કરવા સંમત થયા છે.
સ્થાનિક સ્તરે 3,500 લોકોને નોકરી મળવાની અપેક્ષા છે
નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે પ્રોજેક્ટના EV અને બેટરી મેન્યુફેક્ચરિંગ પ્લાન્ટનું બાંધકામ આ વર્ષે શરૂ થશે. આ પ્લાન્ટ સ્થાનિક સ્તરે 3,000થી 3,500 લોકોને રોજગાર પ્રદાન કરશે તેવી અપેક્ષા છે. રોઇટર્સે બુધવારે અહેવાલ આપ્યો હતો કે વિનફાસ્ટ તમિલનાડુમાં ભારતમાં તેનો પ્રથમ ઉત્પાદન પ્લાન્ટ ખોલશે, જ્યાં તે EV બેટરી બનાવશે.