જસદણ ખાતે રહેતા સાળાએ આપેલા રૂ.25 લાખ પરત કરવા રાજકોટ રહેતા બનેવીએ આપેલો ચેક રિટર્ન થવાના કેસમાં જસદણના એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને 1 વર્ષની સજા અને રૂ.25 લાખ વળતર પેટે 1 વર્ષમાં ચૂકવી આપવા હુકમ કર્યો હતો.
આ કેસની વિગત એવી છે કે, જસદણ ખાતે રહેતા ફરિયાદી દીપક જેન્તીભાઇ હિરપરાએ રાજકોટ ખાતે રહેતા બનેવી અશોક ચનાભાઇ કિયાડાને રૂ.25 લાખ ધંધાના વિકાસ અર્થે તથા પરિવારમાં માંદગી અર્થે આવશ્યકતા હોય આરોપીના મિત્ર હરેશભાઇ લક્કડની હાજરીમાં ઉછીના આપ્યા હતા. તે સંબંધે પબ્લિક નોટરી સમક્ષ પ્રોમિસરી નોટ પણ લખી આપેલી હતી. ત્યારબાદ ફરિયાદીને નાણાંની જરૂરિયાત ઊભી થતા આરોપીએ લખી આપેલો ચેક રિટર્ન થતા ફરિયાદીએ અદાલતમાં ફરિયાદ કરી હતી. જેમાં ફરિયાદ પક્ષના એડવોકેટ મિહિર દાવડાની દલીલો તેમજ આધાર પુરાવાને ધ્યાને લઈ એડિશનલ ચીફ જ્યુડિશિયલ મેજિસ્ટ્રેટે આરોપીને એક વર્ષની સજા અને ફરિયાદીને રૂપિયા 25 લાખનું વળતર ચૂકવવા હુકમ કર્યો હતો.