રાજકોટ શહેરમાં દુષ્કર્મની વધુ એક ઘટના સામે આવી છે. જેમાં અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકની યુવતીને તેના વતનના જ શખસે ઇન્સ્ટાગ્રામમાં મિત્રતા કેળવી લગ્નની લાલચ આપી રાજકોટ લાવી બસ પોર્ટ પાછળની હોટલમાં દુષ્કર્મ આચર્યું હોવાની ઘટના સામે આવી છે. જે ફરિયાદના આધારે રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપીને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.
કાર્તિકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી
અરવલ્લી જિલ્લાના ભિલોડા પંથકની 28 વર્ષીય યુવતીએ તેના વતનના જ કાર્તિક કાલિદાસ બેરંડા નામના શખસ સામે એ ડિવિઝન પોલીસ મથકમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, પોતે સોશિયલ મીડિયા ઈન્સ્ટાગ્રામ યુઝ કરતી હોય તેના મારફત કાર્તિક સાથે પરિચય થયો હતો. તેણે રિક્વેસ્ટ મોકલતા એક્સેપ્ટ કર્યા બાદ બંને વાતચીત કરતા હતા અને કાર્તિકે યુવતીને પ્રેમજાળમાં ફસાવી પોતે લગ્ન કરશે તેવું જણાવી સંબંધ કેળવ્યો હતો.
કાર્તિક ખોટા વાયદાઓ જ આપતો
વધુમાં તેમણે જણાવ્યું હતું કે, રાજકોટ આવી તેઓ બસ સ્ટેન્ડ પાછળ આવેલી એક હોટલમાં બંને મળ્યા હતા. અહીં પોતે લગ્ન કરશે તેવું વચન આપી શરીર સંબંધ બાંધવાનું કહેતા પોતે ના પાડવા છતાં બળજબરીથી પોતાની સાથે શરીર સંબંધ બાંધી લીધો હતો. તે પછી પોતે વારંવાર લગ્નનું કહેતી હોય અને કાર્તિક ખોટા વાયદાઓ જ આપતો હોવાથી તેણીને લગ્નની લાલચ આપી હવસનો શિકાર બનાવી હોવાનું ફરિયાદમાં જણાવતા હાલ રાજકોટ એ ડિવિઝન પોલીસે ગુનો નોંધી આરોપી યુવાનને ઝડપી પાડવા વધુ તપાસ હાથ ધરી છે.